પટણામાં વિપક્ષી નેતાઓનું આગમન શરૂ, આજે લાલુને મળશે મમતા, આ દિગ્ગજો બેઠકમાં લેશે ભાગ
કેન્દ્રની સત્તા પરથી નરેન્દ્ર મોદી અને ભાજપને ઉથલાવવા માટે વિપક્ષોને એક કરવા આવતીકાલે 23મી જુને પટણામાં વિપક્ષી દળોની મહત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. બેઠકમાં સામેલ થવા નેતાઓનું પટણામાં આગમન શરૂ થઈ ગયું છે. આ બેઠક માટે પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પહોંચી ગયા છે, જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને AAP સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે પહોંચશે.
મહેબૂબા મુફ્તી પટણા પહોંચી ગયા છે. જ્યારે મમતા બેનર્જી સાંજે લગભગ 4.30 કલાકે પહોંચશે. બેનર્જી સાથે TMCની સાંસદ અભિષેક બેનર્જી પણ હશે. મમતા બેનર્જી પટણા પહોંચ્યા બાદ સીધા RJDના વડા લાલુ પ્રસાદને મળવા 10-સર્કુલર રોડ જશે. બેઠક બાદ મમતા સાંજે 4 કલાકે કોલકાતા પરત ફરશે. મમતાના પહોંચ્યાના 1 કલાક બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પહોંચશે. મળતા અહેવાલો મુજબ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, ભાકપા મહાસચિવ ડી.રાજા અને ભાકપા માલે મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર પણ આજે પટણા પહોંચશે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર આવતીકાલે પટણા પહોંચવાના અહેવાલો છે.