Nuh Violence: નૂહમાં હિંસા બાદ પ્રશાસન એક્શનમાં, આજે આ જીલ્લાઓમાં શાળા-કોલેજો અને ઈન્ટરનેટ સેવા બંધ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હરિયાણાના મેવાતના નૂહમાં બજરંગ દળના શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપી થઈ હતી, ત્યારબાદ ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આમાં બે લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. શોભાયાત્રા દરમિયાન અચાનક થયેલ પથ્થરમારો હિંસામાં ફેરવાઈ ગયો. બંને જૂથો વચ્ચે અથડામણ બાદ ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસ કમિશનર કાલા રામચંદ્રનના જણાવ્યા અનુસાર, હિંસામાં બે હોમગાર્ડ જવાન શહીદ થયા હતા, જ્યારે 10 પોલીસકર્મી ઘાયલ થયા હતા.

બદમાશોએ નૂહના સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. બદમાશોએ પથ્થરમારો કર્યો અને બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી. હોબાળો જોઈ પોલીસકર્મીઓએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. મેવાતના નગીના અને ફિરોઝપુર-ઝિરકા નગરોમાં ઘણી જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી. આ સમગ્ર હિંસા પર સીએમ મનોહર લાલ ખટ્ટરે પણ ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, ‘આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, હું તમામ લોકોને રાજ્યમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું. દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હરિયાણાના મેવાત અને નૂહમાં હિંસા બાદ વહીવટીતંત્ર ખૂબ જ કડક છે. હિંસાને જોતા નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે. નૂહ અને મેવાતમાં થયેલી હિંસાને લઈને હવે પ્રશાસન કોઈ પણ રીતે બેદરકાર રહેવાનું નથી. હાલ તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ સાથે ફરીદાબાદમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નૂહમાં હિંસા વચ્ચે બંને સમુદાયો વચ્ચે બેઠક પણ થઈ છે. આ બેઠકમાં સ્થાનિક વહીવટીતંત્રની સાથે અનેક રાજકીય અને સામાજિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે (1 ઓગસ્ટ) સવારે 11 કલાકે ફરીથી બંને સમાજની મોટી બેઠક યોજાશે. નૂહ જિલ્લામાં સ્થિતિ હવે સામાન્ય છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે નૂહમાં બંને પક્ષો વચ્ચે થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે અને કેન્દ્રને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.