હવે તેલંગાણામાં બુરખા વિવાદ: કોલેજની વિદ્યાર્થિનીઓને પરીક્ષા ખંડમાં જતા અટકાવાઈ
કર્ણાટકમાં હિજાબનો વિવાદ શાંત થતો જોવા મળી રહ્યો છે પરંતુ તેની ચિણગારી પડોશી રાજ્ય તેલંગાણા સુધી પહોંચતી નજર આવી રહી છે. હૈદરાબાદની એક કોલેજમાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરીને પરીક્ષામાં બેસતા અટકાવવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે, તેમને અડધો કલાક રાહ જોવી પડી હતી અને બુરખો હટાવ્યા બાદ જ પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી.
શુક્રવારેહૈદરાબાદની KV રંગારેડ્ડી મહિલા ડિગ્રી કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને પરીક્ષા આપવા માટે પહોંચી હતી પરંતુ કોલેજ પ્રશાસને તેમને અંદર પ્રવેશ નહોતો કરવા દીધો. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેમને બુરખો ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ બુરખો પહેરીને પરીક્ષા હોલમાં ન જઈ શકે. તમારે બુરખો ઉતારીને અંદર આવવું પડશે પરીક્ષા પૂરી થયા બાદ તમે તેને ફરીથી બહાર પહેરી શકો છો.
જ્યારે તેલંગાણાના ગૃહમંત્રી મહેબૂબ અલીને આ મામલે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ પોતાની પસંદગીના કપડાં પહેરવા માટે સ્વતંત્ર છે પરંતુ ટૂંકા કપડા ન પહેરવા જોઈએ જેનાથી સ્થિતિ વધુ ખરાબ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઓછા કપડાથી સમસ્યા ઉભી થાય છે.
મહેબૂબ અલીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કોઈ એક હેડમાસ્ટર કે, સ્કૂલના પ્રિન્સિપલ આ ભૂલ કરી રહ્યું હશે પરંતુ અમારી જે પોલીસી છે તે આખી સેક્યુલર પોલીસી છે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે ડ્રેસ પહેરી શકે છે પરંતુ ડ્રેસ યુરોપિન કલ્ચરની જેમ ન પહેરો. તે સારું નથી. તેનાથી સ્થિતિ વધુ ખરાબ થાય છે. ઈસ્લામિક અથવા હિંદુ સંસ્કૃતિ પ્રમાણે ડ્રેસ પહેરવો જોઈએ જેનાથી બોડીનો વધુ હિસ્સો કવર થાય છે.
મંત્રીએ કહ્યું કે, આપણે આપણા સાંસ્કૃતિક ડ્રેસની ઈજ્જત કરવી જોઈએ. મહિલાઓએ ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. બીજી તરફ જ્યારે મંત્રીને કોલેજમાં બુરખો પહેરવા પર રોક લગાવવા મુદ્દે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું કે, ક્યાંય પણ બુરખો પહેરવા પર રોક નથી. તેમણે કોલેજ પ્રશાસન વિરુદ્ધ એક્શન લેવાની વાત કહી છે.