ચાર જ દિવસમાં મસ્કની ‘૮ ડોલર યોજના’ અભેરાઈએ બ્લુ ટિકની બબાલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દુનિયાના સૌથી ધનિક અબજોપતિ ઈલોન મસ્કે બે સપ્તાહ અગાઉ ટ્વિટર ખરીદ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અનિશ્ચિતતા હવે સામાન્ય બની રહી છે. ઈલોન મસ્કે એક પછી એક તેના નિર્ણયોમાં પીછેહઠ કરવી પડી રહી છે. વધુમાં મસ્કના નિર્ણયો ટ્વિટરને જ નહીં, પરંતુ અન્ય કંપનીઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. ટ્વિટરની બ્લુ ટિક માટે માસિક ૮ ડોલર ચૂકવવાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નકલી એકાઉન્ટ્સ દૂર થઈ જશે તેમ મસ્કનું માનવું હતું. પરંતુ ૫૦ ટકા કર્મચારીઓની હકાલપટ્ટી પછી કેટલાક કર્મચારીઓને પાછા બોલાવવા પડયા, તે જ રીતે ઈલોન મસ્કે ટ્વિટરની બ્લૂ ટિક માટે માસિક ૮ ડોલરનો પેઈડ સબસ્ક્રિપ્શન કાર્યક્રમ શરૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ શુક્રવારે બંધ કરી દેવો પડયો છે.ટ્વિટર પર પેઈડ સબસ્ક્રિપ્શનથી નકલી એકાઉન્ટ બંધ થઈ જશે અને કંપનીને ફાયદો પણ થશે તેવી ઈલોન મસ્કની માન્યતાથી વિરુદ્ધ ટ્વિટરે માસિક ૮ ડોલરનું પેઈડ સબસ્ક્રિપ્શન શરૂ કર્યાના કેટલાક જ દિવસમાં સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટનો જાણે રાફડો ફાટયો હતો. પહેલા ટ્વિટર પર યુઝર્સની ઓળખ વેરિફિકેશન પછી તેને બ્લુ ટિક મળતી હતી. જેથી જે-તે યુઝર વિશ્વસનીય હોવાનું જણાતું હતું. પરંતુ મસ્કે બુધવારે માસિક ૮ ડોલરનું પેઈડ સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યા પછી કોઈપણ યુઝર બ્લુ ટિકવાળા નકલી એકાઉન્ટ મેળવવા લાગ્યા. આ નકલી એકાઉન્ટ પરથી ટ્વીટ પણ થવા લાગી.આ જ રીતે અમેરિકન ફાર્માસ્યુટિકલ જાયન્ટ ઈલિ લિલી એન્ડ કં.નું નકલી એકાઉન્ટ ખૂલી ગયું અને તેની એક જ ટ્વીટથી કંપનીને અંદાજે રૂ. ૧૨૨૩ અબજનું નુકસાન થયું. વધુમાં ટ્વિટરની નવી બ્લુ સિસ્ટમ હેઠળ નિન્ટેન્ડો, લોકહીડ માર્ટિન, પેપ્સિકો, મસ્કની પોતાની કંપનીઓ ટેસ્લા અને સ્પેસ એક્સ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને અનેક પ્રોફેશનલ સ્પોર્ટ્સ અને રાજકીય હસ્તીઓના નકલી એકાઉન્ટ ખૂલી ગયા. એટલું જ નહીં બ્લુ ટિક પ્રોગ્રામ હેઠળ ઈસુ ખ્રિસ્ત અને ગેમિંગ કેરેક્ટર સુપર મારિયોના પણ નકલી એકાઉન્ટ ખુલી ગયા.ઈલોન મસ્કના પેઈડ સબસ્ક્રિપ્શન કાર્યક્રમ હેઠળ એક યુઝરે માસિક ૮ ડોલર ચૂકવીને ફાર્માસ્યુટિકલ કંપની ઈલિ લિલી એન્ડ કં.ના નામનું બ્લુ ટિક એકાઉન્ટ મેળવી લીધું અને તેણે કંપનીની દવા ઈન્સ્યુલિન હવેથી મફત થઈ ગઈ છે તેવી ટ્વીટ કરી દીધી. આ ટ્વીટ એક વેરિફાઈડ એકાઉન્ટથી કરાઈ હોવાથી લોકોએ તેને ગંભીરતાથી લીધી. આ ટ્વીટ પછી કંપનીના શૅર ૪.૩૭ ટકા તૂટી ગયો અને તેની માર્કેટ કેપ અંદાજે ૧૫ અબજ ડોલર (લગભગ રૂ. ૧૨૨૩ અબજ) ઘટી ગઈ. કંપનીને નકલી ટ્વીટની જાણ થતાં તેણે આ અંગે ખુલાસો કર્યો અને લોકોની માફી પણ માગી. એ જ રીતે પેપ્સી કં.ના નામનું એક નકલી એકાઉન્ટ ખૂલી ગયું અને તેના પરતી ટ્વીટ થઈ ‘કોક વધુ સારી છે.’ આ પોસ્ટ પણ વેરિફાઈડ યુઝર્સથી થઈ હોવાથી લોકો ગુંચવાઈ ગયા.ટ્વિટરમાં ઈલોન મસ્કના આગમન સમયથી જ જે જાહેરાત કંપનીઓએ ટ્વિટર સાથેનો તેનો કારોબાર અટકાવી રાખ્યો હતો તેમના માટે નકલી એકાઉન્ટ્સનો મુદ્દો વધુ ગંભીર બની ગયો છે. મસ્ક દ્વારા ટ્વિટરની ખરીદી, તેના હાઈ-પ્રોફાઈલ અધિકારીઓ સહિત ૫૦ ટકા કર્મચારીઓની હકાલપટ્ટી જેવા ઈલોન મસ્કના નિર્ણયોથી ટ્વિટરનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું છે.બેન્ક ઓફ અમેરિકાના ભૂતપૂર્વ ગ્લોબલ મીડિયા હેડ લોઉ પાસ્કલિસે જણાવ્યું હતું કે, ઈલોન મસ્કે ટ્વિટર પર જાહેરાતો આપનારાઓ માટે પ્રતિષ્ઠાનું જોખમ ઊભું કર્યું છે. નકલી ‘વેરીફાઈડ’ બ્રાન્ડ એકાઉન્ટ્સ સાથે ટ્વિટરનું એક એવું ચિત્ર ઉપસી રહ્યું છે, જેની સાથે કો મીડિયા પ્રોફેશનલ પોતાની કારકિર્દી જોખમમાં મૂકવા નહીં માગે. ટ્વિટર જાહેરાતો પર વ્યાપક રીતે નિર્ભર છે. તેની ૯૦ ટકા ાવક એડવર્ટાઈઝર્સમાંથી આવે છે. પરંતુ ઈલોન મસ્કના આગમન પછી તેના પ્રત્યેક નિર્ણયો અને પીછેહઠ મોટી બ્રાન્ડ્સ માટે ઓછી આકર્ષક બની રહી છે. ટ્વિટર પર હાલ ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.