બાન્દ્રામાં ઉદ્ધવની શિવસેનાની શાખા પર પાલિકાનું બુલડોઝર
શિવસેના (યુબીટી) પાર્ટીની બાન્દ્રા ખાતે આવેલી શાખા મહાનગર પાલિકાએ તોડી પાડી છે. આ શાખા ગેરકાયદેસર હોવાનું જણાવી તેના પર બૂલડોઝર ફેરવી દેવાતાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં. રસપ્રદ વાત એ છે કે, આ શાખા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી બંગલાથી માત્ર પથ્થર ફેંકવાની જેટલી દુર પર જગ્યા છે. પાલિકા દ્વારા આ કાર્યવાહી બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાય તેવી સંભાવના છે.
કડક પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. શાખા ૪૦ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. વોર્ડ નંબર ૯૬ના ભૂતપૂર્વ નગર સેવક હાજી હલીમ ખાન પાસે આ ઓફિસ છે અને ફારૃક શેખ આ શાખાપ્રમુખ છે. જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે ઘણા શિવસૈનિકો ત્યાં એકઠા થઈ ગયા હતા. કેટલાય લોકો તો શિવસેનાની શાખા પર પણ પાલિકાનું બૂલડોઝર ફરી શકે છે તે નજર સામે જોવા છતાં માની શકતા ન હતા.
મુંબઈ મહાનગર પાલિકામાં આશરે અઢી દાયકા સુધી તત્કાલીન અવિભાજીત શિવસેનાએ લાગલગાટ શાસન કર્યું છે. તે વખતે શિવસેનાની શાખાઓનો દબદબો સ્થાનિક પોલીસ મથક કે પાલિકાની વોર્ડ ઓફિસ કરતાં પણ વધારે હતો. આ શાખાઓનાં નેટવર્ક દ્વારાજ શિવસેનાએ પોતાનાં સંગઠનની પાંખો વિસ્તારી હતી.
હવે ગયાં વર્ષે શિવસેનામાં ભાગલા પડયા બાદ આ શાખાઓની માલિકી તથા સંચાલન મુદ્દે તકરારો ઊભી થઈ છે. કેટલીય શાખાઓમાં તો એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરે નાં વડપણ હેઠળની શિવસેના-યુબીટીના કાર્યકરો સાથે સાથે બેસે છે. કેટલીય શાખાઓ તો સ્થાનિક નેતાઓની માલિકી હોવાથી તેની ટ્રાન્સફર અંગે પણ વિવાદો થયા છે.
રાજ્યની એકનાથ શિંદે સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઉદ્ધવ જૂથ પર સતત પ્રહારો થઈ રહ્યા છે. બીએમસીમાં કૌભાંડો બાબતે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ રચવાની જાહેરાત બાદ ઉદ્ધવ ઠાકરે પરિવારનું સલામતી કવચ પાછું ખેંચી લેવાયું છે અને હવે આ શાખા તોડવાની પણ કાર્યવાહી શરુ થઈ છે. શિવસૈનિકોને ડર છે કે પાલિકા આ જ બહાનાં હેઠળ વધુ કેટલીક શાખાઓ સામે આવી કાર્યવાહી કર ી શકે છે.
સ્થાનિક શિવસૈનિકોના આક્ષેપ અનુસાર તેમનામાંથી કેટલાયને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા માટે મોટી મોટી ઓફરો કરવામાં આવી હતી પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યા બાદ સરકારના ઈશારે પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.