મુંબઈ બન્યું એશિયાનું સૌથી ધનિક શહેર, બેઇજિંગને પાછળ છોડ્યું
ભારતમાં આ વર્ષે અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024ના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં 94 નવા અબજોપતિ ભારતીય અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. રિપોર્ટ અનુસાર, ભારતના અબજોપતિઓએ લગભગ $1 ટ્રિલિયનની કુલ સંપત્તિ એકઠી કરી છે, જે કુલ વૈશ્વિક સંપત્તિના 7% છે. સૌથી ધનિક શહેરો તે શહેરોનો ઉલ્લેખ કરે છે જ્યાં મોટાભાગના અબજોપતિઓ રહે છે.
મુંબઈએ બેઈજિંગને પાછળ છોડ્યું
આ નવા પરિવર્તનની વચ્ચે ભારતની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈએ ચીનની રાજધાની બેઈજિંગને પાછળ છોડી દીધું છે. મુંબઈ હવે બેઈજિંગને પાછળ છોડીને એશિયાની બિલિયોનેર કેપિટલ બની ગયું છે. હુરુનના અહેવાલ મુજબ મુંબઈ હવે વિશ્વની ત્રીજી સૌથી અમીર રાજધાની બની ગયું છે. એટલે કે ભારતના મોટાભાગના અબજોપતિઓ મુંબઈમાં રહે છે.
આ વર્ષે મુંબઈમાં 58 નવા અબજોપતિઓ આ યાદીમાં
આ વર્ષે મુંબઈમાં રહેતા અબજોપતિઓની યાદીમાં 58 નવા નામ ઉમેરાયા છે, જે બાદ મુંબઈમાં રહેતા અબજોપતિઓની કુલ સંખ્યા વધીને 386 થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે 18 નવા અબજોપતિ જોડાયા છે, જેના પછી દિલ્હીમાં રહેતા અબજોપતિઓની સંખ્યા વધીને 217 થઈ ગઈ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને 104 અબજપતિઓ સાથે હૈદરાબાદ છે, જેમાં 17 નવા અબજોપતિનો ઉમેરો થયો છે.