1000થી વધુ કર્મચારીઓને માઇક્રોસોફ્ટે નોકરીમાંથી કાઢી મૂક્યા
વિશ્વની અગ્રણી આઇટી કંપની માઇક્રોસોફ્ટે ૧૦૦૦ લોકોને નોકરી કાઢી મૂક્યા છે. જુલાઇ પછી આ ત્રીજો પ્રસંગે છે જેમાં કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. માઇક્રોસોફ્ટ પાસે કુલ ૧.૮૦ લાખ કર્મચારીઓ છે. જુલાઇ પછી કંપનીએ એક ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર અમે અમારી બિઝનેસ પ્રાથમિકતાઓની નિયમિત રીતે સમીક્ષા કરીએ છીએ જેના આધારે કર્મચારીઓની સંખ્યા અંગે નિર્ણય લેવામાં આવે છે.જુલાઇની છટણી પછી કંપનીએ પોતાના એક કસ્ટમર ફોકસ્ડ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાંથી ૨૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. તાજેતરના દિવસોમાં વૈશ્વિક આર્થિક કટોકટી અને મંદીના ભયે અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસો વધુ મુશ્કેલભર્યા હોઇ શકે છે. અમેરિકામાં મોટી ટેકનોલોજી કંપનીઓએ કુલ ૩૨૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કંપનીઓમાં માઇક્રોસોફ્ટ પણ સામેલ છે. ઇન્ટેલ પણ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે.