નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 41 લોકોના મોત
નાઈજીરીયાના ઉત્તર-પશ્ચિમ રાજ્ય ઝમફારામાં શનિવારે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. અન્ય 12 લોકોને બચાવકર્મીઓએ બચાવી લીધા હતા. નાઇજિરીયાના ફેડરલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ગુમ્મી-બુક્ક્યુમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય ધારાશાસ્ત્રી સુલેમાન ગુમ્મીએ રવિવારે જણાવ્યું હતું કે બોટમાં 50 થી વધુ મુસાફરો અને ક્રૂ સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે ઝમફારાના ગુમ્મી સ્થાનિક સરકારી વિસ્તારના ગુમ્મી શહેર નજીક નદીમાં બોટ પલટી ગઈ હતી.
ગુમ્મીએ જણાવ્યું હતું કે મુસાફરો ખેડૂતો હતા જેઓ દરરોજ બોટને નજીકના વિસ્તારમાં તેમના ખેતરોમાં લઈ જતા હતા. ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક ગોતાખોરો અને અન્ય કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઓછામાં ઓછા એક ડઝન લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. ઝમફારા સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના વડા હસન દૌરાએ સ્થાનિક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મોટાભાગના પીડિતો મહિલાઓ અને બાળકો હતા.