મહાદેવ સટ્ટાબાજીની એપના માલિકની ઈન્ટરપોલ દ્વારા દુબઈમાં ધરપકડ
મહાદેવ સટ્ટાબાજી કૌભાંડના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. EDની વિનંતી પર જારી કરાયેલી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ કરવામાં આવી હતી. EDએ વિદેશ મંત્રાલય (MEA) અને ગૃહ મંત્રાલય સાથે મળીને આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, UAE સત્તાવાળાઓએ ગઈકાલે સત્તાવાર રીતે વિદેશ મંત્રાલય (MEA)નો સંપર્ક કર્યો હતો અને તેમને દુબઈમાં સૌરભ ચંદ્રાકરની ધરપકડ વિશે માહિતી આપી હતી.
EDની કાર્યવાહી પર 2023માં પોલીસે સૌરભ ચંદ્રાકરની દુબઈથી અટકાયત કરી હતી. ત્યારથી તેને નજરકેદ રાખવામાં આવ્યો હતો. EDના સૂત્રોનું કહેવું છે કે હવે લગભગ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 10 દિવસમાં તેને ભારત મોકલી દેવામાં આવશે. મહાદેવ એપ કેસમાં કેટલાક નેતાઓના નામ પણ સામે આવ્યા હતા.
ચંદ્રાકર દુબઈમાં નજરકેદ હતા
ચંદ્રાકરને ગયા વર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. રાયપુરની સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કરવામાં આવેલી તેની પ્રાથમિક ચાર્જશીટમાં EDએ ચંદ્રાકર, ઉપ્પલ અને અન્ય કેટલાક લોકોના નામ આપ્યા હતા. ચાર્જશીટમાં સૌરભ ચંદ્રાકરના કાકા દિલીપ ચંદ્રાકરના નિવેદનને ટાંકવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સૌરભ 2019માં દુબઈ ગયો તે પહેલા તે છત્તીસગઢના ભિલાઈમાં તેના ભાઈ સાથે ‘જ્યૂસ ફેક્ટરી’ નામની જ્યુસની દુકાન ચલાવતો હતો.
ફેબ્રુઆરી 2023માં દુબઈમાં લગ્ન કર્યા
EDએ આરોપ લગાવ્યો છે કે સૌરભના લગ્ન યુએઈના રાસ અલ ખૈમાહમાં ફેબ્રુઆરી 2023માં થયા હતા અને આ કાર્યક્રમમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમાં પ્રાઈવેટ જેટ ભાડે લેવા અને સેલિબ્રિટીઝને ભારતમાં અને ત્યાંથી સગા સંબંધીઓને ઉડાડવા માટે ચૂકવણી કરવાનો સમાવેશ થાય છે. EDનું અનુમાન છે કે આ કેસમાં લગભગ 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે EDની તપાસમાં સામે આવ્યું છે કે મહાદેવ ઓનલાઈન બુક એપ યુએઈથી ઓપરેટ થાય છે.