લ્યો બોલો…દિલ્હીમાં સોના-ચાંદીની નઈ પણ પાણીની થઇ રહી છે ચોરી, 2 ટેન્કર જપ્ત
દિલ્હીની મુનાક કેનાલમાંથી પાણીની ચોરી કરવાના આરોપસર બે ટેન્કરો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. દિલ્હીમાં પાણીની વધતી કટોકટી બાદ ટેન્કર માફિયાઓની ગતિવિધિઓને કાબૂમાં લેવા માટે પોલીસે મુનાક કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે 56 પોલીસકર્મીઓ તબક્કાવાર કેનાલની સુરક્ષા કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસની ટીમોએ હરિયાણા બોર્ડર પર કેનાલના 15 કિમીના પટમાં ચેકપોઇન્ટ ગોઠવી છે અને પેટ્રોલિંગ કરી રહી છે. મુનાક કેનાલ બવાનાથી દિલ્હીમાં પ્રવેશે છે અને હૈદરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચે છે. બવાના, નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા, શાહબાદ ડેરી અને સમયપુર બદલી પોલીસ સ્ટેશનની ટીમોને નહેર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.