મુંબઇમાં મોડીરાત્રે કમોસમી વરસાદ: કાશ્મીર-હિમાચલમાં કાતિલ ઠંડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા અરબી સમુદ્રમાં ચક્રાવતના પ્રભાવ હેઠળ દેશના અનેક ભાગોમાં હવામાનપલટો યથાવત રહ્યો છે. મહાનગર મુંબઇમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સિવાય ઉત્તરીય રાજયોમાં ગાઢ ધુમ્મસની હાલત યથાવત રહી હતી.

મહારાષ્ટ્રમાં ત્રણેક દિવસ માવઠાની પરિસ્થિતિ રહેવાની આગાહી વચ્ચે મુંબઇ તથા અન્ય કેટલાંક ભાગોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો જેને પગલે કૃષિને નુકસાન થવાની આશંકાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.

આ સિવાય મધ્ય પ્રદેશમાં ત્રણ દિવસથી વરસાદનો સિલસિલો છે. ઙોપાલ, ગ્વાલીયર, જબલપુર, શાજાપુર, રાજગઢ, ઉજજૈન સહિતના ભાગોમાં ગાઢ ધુમ્મસ વચ્ચે વીઝીબીલીટી ઘટી ગઇ હતી અનેક સ્થળોએ વરસાદ પડયો હતો.

પંજાબ-હરિયાણા તથા ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહયું હતું અને તાપમાન નોર્મલ આસપાસ બની રહ્યું હતું.ઉત્તર પ્રદેશના પશ્ર્ચિમી ભાગોમાં કેટલાંક સ્થળોએ છુટા છવાયો વરસાદ થયો હતો. કેટલાંક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.

હિમાચલ પ્રદેશના કીલાંગ, કલ્પા તથા મનાલીમાં તાપમાનનો પારો માઇનસમાં સરકી ગયો હતો. પર્વતીય ભાગોમાં હિમવર્ષા થઇ હતી. લાટૌલ-સ્પીતીના કિલાંગમાં સૌથી ઓછું માઇનસ 10.7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ડેલા હાઉસી તથા કુફરીમાં તાપમાન માઇનસ 2.1 ડીગ્રી હતું. સિમલામાં ઉષ્ણતમાન 3.2 ડીગ્રી નોંધાયું હતું.

કાશ્મીરના અનેક ભાગોમાં પણ તાપમાન માઇનસમાં સરકી ગયું હતું. ગુલમર્ગમાં માઇનસ 7.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. પહલગામમાં માઇનસ 3.2 ડીગ્રી તથા કોકરનાગમાં માઇનસ 2.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરનું તાપમાન 0.1 ડીગ્રી હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.