સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ
ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે તેમના ઉત્તરાધિકારી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે કેન્દ્ર સરકારને ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા મુખ્ય ન્યાયાધીશ લલિતે મંગળવારે સુપ્રીમ કોર્ટના બધા જ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ દેશના વર્તમાન સીજેઆઈ તેમના ઉત્તરાધિકારીની ભલામણ કરવાનો ઔપચારિક પત્ર સરકારને મોકલે છે.સીજેઆઈ યુયુ લલિતની ભલામણ સરકાર સ્વીકારી લે પછી અયોધ્યા જમીન વિવાદ, રાઈટ ટુ પ્રાઈવસી અને એડલ્ટરી સંબંધિત કેસો સહિત અનેક ઐતિહાસિક ચુકાદાઓ અને કેટલીક બંધારણીય બેન્ચોમાં રહેલા ન્યાયાધીશ ચંદ્રચૂડ ૯મી નવેમ્બરથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે. ન્યાયાધીશ ચંદ્રચૂડની ૨૦૧૬ની ૧૩મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતનો ૭૪ દિવસનો કાર્યકાળ ૮મી નવેમ્બરે પૂરો થવાનો છે. ત્યાર પછી ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડનો કાર્યકાળ ૯મી નવેમ્બરથી શરૂ થઈને બે વર્ષ સુધી ચાલશે. વર્તમાન નિયમ મુજબ જસ્ટિસ ચંદ્રચૂડ ૧૧ નવેમ્બરે તેમના ૬૫મા જન્મ દિવસના આગલા દિવસે જ ૧૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય ૬૫ હોય છે.નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત સમક્ષ આગામી સીજેઆઈના નામની ભલામણ માગી હતી. યુયુ લલિતનો કાર્યકાળ ૮મી નવેમ્બરે પૂરો થાય છે. ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સૌથી લાંબો સમય મુખ્ય ન્યાયાધીશ રહેનારા વાયવી ચંદ્રચુડના પુત્ર છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ ૨૨મી ફેબુ્રઆરી ૧૯૭૮થી ૧૧મી જુલાઈ ૧૯૮૫ સુધી હતો. પરંપરા મુજબ મુખ્ય ન્યાયાધીશ તેમના પછીના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કેન્દ્ર સરકારને મોકલે છે. અત્યારે યુયુ લલિત પછી ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ બીજા સૌથી વરિષ્ઠ જજ છે. આ એક પ્રકારની પરંપરા છે, જે મુજબ કેન્દ્ર તરફથી ઔપચારિક આગ્રહ મળ્યા પછી મુખ્ય ન્યાયાધીશ તેમના નિવૃત્તિના લગભગ એક મહિના પહેલા એક બંધ કવરમાં તેમના ઉત્તરાધિકારીના નામની કેન્દ્રને ભલામણ કરે છે. ત્યાર પછી સરકાર નવા સીજેઆઈની નિમણૂક કરે છે.સુપ્રીમ કોર્ટમાં શપથ ગ્રહણ દરમિયાન જ સ્પષ્ટ થઈ જાય છે કે મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે અને તેમનો કાર્યકાળ કેટલો હશે. વર્તમાન રેકોર્ડ મુજબ દેશને ૨૦૨૭માં પહેલાં મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે. જસ્ટિસ બીવી નાગરત્ના માત્ર ૨૭ દિવસ માટે સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરશે. તેમના પિતા ન્યાયાધીશ ઈએસ વેંકટરામૈયા પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યાં છે.