ઇઝરાયેલે હિઝબુલ્લાહના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરો પર કર્યો બોમ્બમારો, 50 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં ભારે હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ લેબનોનમાં હિઝબુલ્લાહના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરો પર અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી આ સૈન્ય કાર્યવાહીમાં 50થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં હિઝબુલ્લાહના દક્ષિણ મોરચા અને રદવાન ફોર્સના 6 વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ છે. એટલું જ નહીં, ઇઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહના નાસિર, બદર અને અઝીઝ યુનિટ પર પણ ભીષણ હુમલા કર્યા છે.
હિઝબુલ્લાહના ભૂગર્ભ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા
ઇઝરાયેલના સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલી વાયુસેનાના જેટ્સે દક્ષિણ મોરચે હિઝબુલ્લાહના ભૂગર્ભ કેન્દ્રો પર ત્રાટક્યા હતા અને ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને ખતમ કરી દીધા હતા. હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સંરક્ષણ દળો દક્ષિણ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન અને હવાઈ હુમલા ચાલુ રાખશે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા વધુ હુમલા કરવામાં આવશે. આ હુમલાઓનો હેતુ ઉત્તરના રહેવાસીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પાછા લાવવાનો છે.