કેદારનાથના ગર્ભગૃહમાં સોનુ છે કે પિત્તળ? તીર્થ પુરોહિતોના ગંભીર આરોપો અંગે મંદિર કમિટીએ આપી સ્પષ્ટતા
કેદારનાથ મંદિરના તીર્થ પુરોહિત અને ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સોનાના સ્તરો પર સવાલ ઉઠાવ્યા હતા. યાત્રાધામના પૂજારીનો આરોપ છે કે, સોનું પિત્તળમાં ફેરવાઈ ગયું છે અને તેની તપાસ થવી જોઈએ. ત્યારે હવે બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC) એ એક પ્રેસ નોટ જારી કરીને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.
ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને કેદારનાથના વરિષ્ઠ તીર્થ પુરોહિત આચાર્ય સંતોષ ત્રિવેદીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તીર્થ પુરોહિતે વીડિયો શેર કરતા જણાવ્યું કે, કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવેલું સોનું હવે પિત્તળમાં ફેરવાઈ ગયુ છે.
મંદિર સમિતિને ઘેરતા તેમણે કહ્યું કે, ગર્ભગૃહમાં સોનાની પરત લગાવવાના નામે 1.25 અબજ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે BKTC, સરકાર અને વહીવટીતંત્રમાં જે પણ આ કામ માટે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. BKTCએ સોનાની પરત લગાવતા પહેલાં તેની તપાસ કરી લેવી જોઈએ.
તીર્થ પુરોહિત મંદિરમાં સોનું લગાવવાનો સતત વિરોધ કરી રહ્યા છે તેમ છતાં બળજબરી પૂર્વક આ કાર્ય કરવામાં આવ્યું. સોનાના નામ પર માત્ર પિત્ળ પર પાણી ચઢાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે, આ મામલે તપાસ કરીને દોષિતો પર કાર્યવાહી કરવામાં ન આવી તો તીર્થ પુરોહિત ઉગ્ર આંદોલન કરશે.
બીજી તરફ, BKTCના એક્ઝિક્યુટિવ ઓફિસર આર.સી. તિવારીએ જારી કરેલા ખંડન પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો અને આભૂષણોને સોનાનો ઢોળ ચઢાવવાનું કામ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં સોનાની કિંમત એક અબજ 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. જે તથ્ય વગર ભ્રામક માહિતી ફેલાવીને લોકોની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
BKTCએ સ્પષ્ટ કર્યું કે, કેદારનાથ ગર્ભગૃહમાં 23,777.800 સોનુ લગાવવામાં આવ્યુ છે. જેની વર્તમાન કિંમત 14.38 કરોડ છે. સ્વર્ણ જડિત કામ માટે ઉપયોગમાં લેવાતી કોપરની પ્લેટોનું કુલ વજન 1,001.300 કિગ્રા છે જેની કિંમત રૂ. 29 લાખ છે. તેમણે કહ્યું કે નિયમો પ્રમાણે ભ્રામક માહિતી ફેલાવવા સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
Tags india New Delhi rakhewaldaily