યુએસના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વિશે રસપ્રદ જાણકારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહી પ્રમુખ અને તેમનો પરિવાર રહે છે તેમજ રાષ્ટ્રપતિ ઓફીસ પણ અહી આવેલી છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશના ટોચના સ્થાને બિરાજેલ વ્યક્તિનું નિવાસસ્થાન અને ઓફીસ વિશ્વની સૌથી સુરક્ષિત ઈમારતોમાં સ્થાન પામે છે. આજે જાણીશું આ ઈમારતનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ રસપ્રદ માહિતી.

વ્હાઇટ હાઉસની સત્તાવાર વેબસાઇટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આજે જ્યાં વ્હાઇટ હાઉસ આવેલું છે તે જગ્યા 1791માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા પસંદ કરવામાં આવી હતી. બીજા જ વર્ષે એટલે કે 1792માં ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને બાંધકામ માટે આઇરિશમાં જન્મેલા આર્કિટેક્ટ જેમ્સ હોબાનની ડિઝાઇન પસંદ કરવામાં આવી. બાંધકામના આઠ વર્ષ બાદ અમેરિકાના બીજા પ્રમુખ જ્હોન એડમ્સ અને તેમની પત્ની એબિગેલ વ્હાઈટ હાઉસમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન બાંધકામ ચાલુ હતું.

આ પછી 1812ના યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ વ્હાઇટ હાઉસને બાળી નાખ્યું હતું. જેથી તેને ફરીથી બનાવવા માટે જેમ્સ હોબનને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ 1817માં અમેરિકાના પાંચમા રાષ્ટ્રપતિ જેમ્સ મનરોએ વ્હાઇટ હાઉસમાં રહેવાનું શરૂ કર્યું અને તેમના કાર્યકાળ દરમિયાન જ દક્ષિણ પોર્ટિકો બનાવવામાં આવ્યો હતો. વર્ષ 1829 માં નોર્થ પોર્ટિકો સાતમા રાષ્ટ્રપતિ એન્ડ્ર્યુ જેક્સનની દેખરેખ હેઠળ નિર્માણ કરવામાં આવ્યો. 19મી સદીના ઉત્તરાર્ધમાં વ્હાઇટ હાઉસનું વિસ્તરણ કરવા અથવા નવા નિવાસસ્થાનને તૈયાર કરવા માટેના પ્રસ્તાવ આવ્યા પરંતુ તેને અમલમાં મુકવામાં આવ્યા નહી.

1902માં યુનાઇટેડ સ્ટેટ્સના 26મા પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે વ્હાઇટ હાઉસમાં મોટા પાયે સુધારાની શરૂઆત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિની કચેરીઓને નિવાસસ્થાનના બીજા માળેથી નવા બનેલા કાર્યકારી એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી. આ ઓફિસ બિલ્ડિંગ હવે વેસ્ટ વિંગ તરીકે ઓળખાય છે. થિયોડોર રૂઝવેલ્ટના સમય દરમિયાન કરવામાં આવેલા બાંધકામ અને ફેરફારનું કામ અને ડીઝાઇન પ્રખ્યાત ન્યુ યોર્ક આર્કિટેક્ટ ફર્મ મેકકિમ, મીડ એન્ડ વ્હાઇટ દ્વારા કરવામાં આવી હતી. રૂઝવેલ્ટ પછી 27માં પ્રમુખ વિલિયમ હોવર્ડ ટાફ્ટ બન્યા હતા તેમણે ઓફિસ વિંગની અંદર ઓવલ ઓફિસ બનાવડાવી હતી.

અમેરિકી પ્રમુખ થિયોડોર ‘ટેડી’ રૂઝવેલ્ટે રીનોવેશન કર્યાના પચાસ વર્ષ પૂર્ણ થયા નહોતા અને વ્હાઈટ હાઉસમાં નબળાઈઓ જોવા મળી હતી. જેને પગલે ૩૩માં અમેરિકન રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેને ઈમારતનું નવીનીકરણ હાથ ધર્યું હતું જેમાં બહારની દીવાલો સિવાય તમામ માળખું તોડી પાડવામાં આવ્યું હતું અને હવે આ વખતે રીનોવેશનનું કામ આર્કિટેક લોરેન્જો વિન્સ્લોને સોંપાઈ હતી અને ૧૯૫૨માં ટ્રુમેન પરિવાર ફરી વ્હાઈટ હાઉસમાં રહેવા આવી ગયું હતું.

અમેરિકાના દ્વિતીય રાષ્ટ્રપતિ જોન એડમ્સ અને તેમના પછીના તમામ પ્રમુખો વ્હાઈટ હાઉસમાં જ રહ્યા છે અને આ ઈમારતનો ઈતિહાસ તેની ચાર દીવાલો કરતા પણ વધારે વિસ્તર્યો છે. પ્રારંભિક સમયમાં સર્વિસ એરિયા તરીકે ઉપયોગમાં લેવાતા ગ્રાઉન્ડ ફ્લોર કોરીડોરના રૂમોથી લઈને રાજકીય ફ્લોર રૂમ સુધી,જ્યાં અનેક નેતાઓ અને સન્માનીય વ્યક્તિઓનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો છે. સમગ્ર વ્હાઈટ હાઉસ ફક્ત અમેરિકા પ્રમુખ અને તેમના પરિવારનું ઘર જ નહી પરંતુ અમેરિકાના ઈતિહાસનું જીવંત સંગ્રહાલય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.