દેશમાં કોરોનાનો પ્રહાર યથાવત, ૪૯ હજારને પાર પોઝિટિવ કેસ, ૧૬૮૮ લોકોના મોત
રખેવાળ, ભારત
દેશમાં છેલ્લા ૪૦ દિવસથી વધુ લોકડાઉન હોવા છતાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. હવે એક દિવસમાં સૌથી વધુ ૧૯૯ લોકોના મોત સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૯ હજારને પાર પહોંચી છે. હવે કુલ ૪૯,૩૩૩ કેસ નોંધાયા છે. સંક્રમણના નવા ૨,૮૦૧ દર્દીના રિપોર્ટ આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક ૧,૬૮૮ સુધી પહોંચ્યો છે.
કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક ગત એક સપ્તાહથી ઝડપથી વધી રહ્યો છે. ૩૦ એપ્રિલે જ્યાં મૃત્યુઆંક ૩.૨ ટકા હતો તે હવે મંગળવારે ૩.૪ ટકા નોંધાયો. મંગળવારે નોંધાયેલ મોતમાં સૌથી વધુ ૭૯ કેસ પશ્ચિમ બંગાળથી સામે આવ્યા. જેમાંથી રાજ્ય સરકારે ૭૨ શંકાસ્પદ મોતોને કોરોના ડેટામાં સામેલ કરવાથી ઇન્કાર કર્યો છે. ગુજરાતમાં ૪૯ અને મહારાષ્ટ્રમાં ૩૪ લોકોના મોતના સમાચાર છે.