પંજાબ નગર નિગમ ચૂંટણીમાં: BJP-અકાલી દળના સુપડાં સાફ, ભટિંડામાં 53 વર્ષ પછી કોંગ્રેસની થઈ જીત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પંજાબ નગર નિગમની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો ડંકો વાગ્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં નગર નિગમ અને નગર પંચાયતોમાં કોંગ્રેસ પાર્ટીને જીત જોવા મળી છે. કોંગ્રેસ પાર્ટીએ અહીં બાટલા, ભટિંડા, મોગા, કપૂરથલા, પઠાણકોટ નગર નિગમમાં જીત મેળવી દીધી છે. નગર નિગમ સિવાય કોંગ્રેસને અત્યાર સુધી 98 મ્યુનિસિપલ કાઉન્સિલમાં પણ જીત મળી છે. આ નગર નિગમ ચૂંટણીના પરિણામો એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનની શરૂઆત પંજાબથી થઈ છે.

અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસે 200થી વધારે વોર્ડ સીટ પર જીત મેળવી લીધી છે અને ઘણી સીટ પરથી આગળ ચાલી રહી છે. જ્યારે સન્ની દેઓલના સંસદીય વિસ્તારમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો છે. સન્ની દેઓલના સંસદીય વિસ્તાર ગુરુદાસપુરથી કોંગ્રેસે સ્ટ્રાઈક કરી દીધી છે. ગુરુદાસપુરની દરેક 29 સીટ પર ભાજપના સુપડાં સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, અહીં ખેડૂત આંદોલન દરમિયાન સન્ની દેઓલનો પણ ખૂબ વિરોધ થયો હતો. જ્યારે 26 જાન્યુઆરીએ હિંસાના મુખ્ય આરોપીમાંથી એક દિપ સિદ્ધુ સાથેની તેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થયા પછી સન્ની દેઓલે ખુલાસો કરવો પડ્યો હતો કે, દીપ સાથે તેના કોઈ પારિવારિક સંબંધો નથી.

નોંધનીય છે કે આ વખતે નગર નિગમની ચૂંટણીમાં ખેડૂત આંદોલન છવાયેલું રહ્યું હતું. કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ પંજાબથી જ શરૂ થયો હતો. અહીં અકાલી દળ અને ભાજપનો પણ ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં 14 ફેબ્રુઆરીએ નગર નિગમની ચૂંટણી થઈ હતી. તેમાં અંદાજે 71 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં 9222 ઉમેદવારો હતા.

રાજ્યમાં સૌથી વધારે ઉમેદવારો અપક્ષના હતા. જ્યારે રાજકીય પક્ષોમાં સૌથી વધારે ઉમેદવારો કોંગ્રેસના 2037 હતા. જ્યારે અહીં બીજેપીએ માત્ર 1003 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા હતા. પંજાબમાં વર્ષ 2022માં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી આ સંજોગોમાં નગર નિગમના પરિણામો ખૂબ મહત્વના માનવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.