પાકિસ્તાનમાં ૫ હજાર નવા કેસ, મંત્રીનો દાવો- જુલાઈ સુધીમાં સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ થવાની શકયતા
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં ૪ લાખ ૩૫ હજાર ૧૭૭ લોકોના મોત થયા છે. સંક્રમિતોનો આંકડો ૭૯ લાખ ૮૪ હજાર ૪૩૨ થયો છે. અત્યાર સુધીમાં ૪૧ લાખ ૪ હજાર ૩૭૩ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનમાં કોરોનાવાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૪૮ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે ૯૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનના મંત્રી અસદ ઉમરે કહ્યું છે કે અહીં જૂનના અંત સુધીમાં ૩ લાખ અને જુલાઈના અંત સુધીમાં સંક્રમિતોનો આંકડો ૧૨ લાખ થાય તેવી શકયતા છે. પાકિસ્તાનમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૪૪ હજાર ૬૭૬ થઈ છે. જ્યારે ૨૭૨૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ચીનની રાજધાની બીજિંગમાં રવિવાર સુધીમાં ૩ દિવસમાં ૫૭ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. હાલ ૧૦ શહેરોના પ્રશાસને તેમના નાગરિકોને કહ્યું છે કે અગામી આદેશ સુધી તેઓ બીજિંગ જવાનું ટાળે. રાજધાનીના ત્રણ મોટા હોલસેલ માર્કેટને પહેલા જ બંધ કરવામાં આવ્યા છે.
હાર્બિન અને ડાલિયાન સહિત ચીનના ૧૦ શહેરોએ તેના નાગરિકોને કહ્યું છે કે તેઓ અગામી આદેશ સુધી બીજિંગની મુસાફરી ન કરે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ હુઆજિયાંગના મોટા કાર માર્કેટને પણ બંધ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તે બીજિંગની નજીક આવેલું છે અને અહીં પ્રત્યેક દિવસે હજારો લોકો જાય છે. તેને હાઈ રિસ્ક લેવલ પર રાખવામાં આવ્યું છે. બીજિંગમાં પણ લો રિસ્ક લેવલને વધારીને મીડિયમ રિસ્ક લેવલ આપવામાં આવ્યું છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ રાજધાની બીજિંગને લઈને સરકાર સતર્ક છે. અહીં ૪૬ હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો હોલસેલ માર્કેટમાં ગયા હોવાના પગલે સંક્રમણ ફેલાયું છે. તેના માટે ૨૪ ટેસ્ટિંગ સ્ટેશન્સ બનાવવામાં આવ્યા છે. રવિવારે સાંજ સુધીમાં કુલ ૧૦ હજાર ૮૮૧ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સરકારી ન્યુઝ પેપર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ રવિવારે બીજિંગમાં ૩૬ મામલાઓની પુષ્ટિ થઈ છે. ત્રણ દિવસમાં ૭૯ સંક્રમિતો પ્રકાશમાં આવ્યા છે.
૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૬૧૨ લોકોના મોત થયા છે. દેશમાં મૃત્યુ પામનારાઓનો આંકડો ૪૩ હજાર ૩૩૨ થઈ ગયો છે. બ્રાઝીલની હેલ્થ મિનિસ્ટ્રીએ રવિવારે રાતે જણાવ્યું કે કુલ ૧૭ હજાર ૧૧૦ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. હવે સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૬૭ હજાર ૬૨૪ થઈ ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રી નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા છે. તેમાં શહેરોમાં ભીડ ઓછી કરવાનો ઉપાય સામેલ કરવામાં આવી શકે છે.
ચિલીમાં અત્યાર સુધીમાં ૧ લાખ ૭૪ હજાર ૨૯૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. ૩ હજાર ૩૨૩ દર્દીઓના મોત થયા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ એક દિવસમાં લગભગ ૬ હજાર ૯૩૮ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન વધુ ૨૨૨ દર્દીઓના મોત થયા છે. હાલ ૧ હજાર ૪૬૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૩૯૯ લોકોની સ્થિતિ ગંભીર છે.