કાશ્મીરમાં આતંકી અથડામણમાં કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ શહીદ
રખેવાળ, ગુજરાત
હંદવાડામાં શનિવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની ૨૧ રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહિદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના સભ્યોને બંધક બનાવીને રાખ્યા હતા. તેઓને બચાવવા માટે સેના અને પોલીસની ટીમ ગઈ હતી. આ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.
આ અથડામણમાં શહિદ થનાર કર્નલ આશુતોષ સાથે મેજર અનુજ, સબ ઈસ્પેક્ટર શકીલ કાઝી, એક લાંસ નાયક અને એક રાયફલમેનનો સમાવેશ થાય છે. આ અથડામણ હંદવાડાના છાંજીમુલ્લાહ ગામમાં શનિવાર બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. ૨૧ રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્માને ગત વર્ષે બીજીવાર સેના મેડલ મળ્યો હતો. તેઓ ગાર્ડ્સ રેજિમેન્ટમાંથી હતા અને અલ્હાબાદના રહેવાસી હતા.
સેનાએ જમ્મુ કાશ્મીરમાં પાંચ વર્ષ પછી આતંકવાદી અથડામણમાં કમાંડિંગ ઓફિસર ગુમવ્યા છે. આ પહેલા ૨૦૧૫માં કુપવાડામાં હાજીનાક જંગલમાં આતંકી અથડામણમાં ૪૧ રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ સંતોષ મહાડિક શહિદ થયા હતા. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી હતા. કર્નલ સંતોષ મહાડિકની પત્ની સ્વાતીએ ૨૦૧૭માં સેના જોઈન કરી હતી.
કાશ્મીરના કોર કમાંડર રહી ચૂકેલા રિટાયર્ડ લેફ્ટિનેટ જનરલ સતીશ દુઆ મુજબ હું આ બહાદૂરોની કુર્બાનીને સલામ કરું છું. જ્યા એક બાજુ દુઃખ છે અને બીજી બાજુ ગર્વ છે.
આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ આતંકવાદી સાથેની અથડામણમાં ૬૨ લોકો માર્યા ગયા છે. લોકડાઉન વચ્ચે પણ આતંકવાદીઓના હુમલા યથાવત છે.