ફલાઈટ્સમાં મિડલ સીટ માત્ર ૬ જૂન સુધી જ બુક થઈ શકશે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો
રખેવાળ, નવી દિલ્હી.
હવાઈ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને લઈને આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે એર ઈન્ડિયા અગામી ૧૦ દિવસ સુધી સંપૂર્ણ ફલાઈટ્સ ચલાવી શકશે, કારણ કે બુકિંગ પહેલા જ થઈ ચૂક્યું છે, જોકે મિડલ સીટનું બુકિંગ ૧૦ દિવસ પછી કરી શકાશે નહિ.
આ સિવાય સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને ઈન્ટરનેશનલ ફલાઈટ્સની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે અલગ આદેશ બહાર પાડવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને એર ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે મિડલ સીટનું બુકિંગ ન કરવાનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અમે સામાન્ય રીતે હાઈકોર્ટે આપેલા વચગાળાના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી પરંતુ સોલીસિટર જનરલે વિદેશમાં ફસાયેલા ભારતીયોના કારણે પેદા થયેલી મુશ્કેલીઓ વિદેશીઓ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મુસાફરી માટે કાયદેસર ટિકિટ ઈસ્યુ કરવામાં આવી છે. હાઈકોર્ટેના આદેશથી ખૂબ જ ચિંતા અને મુશ્કેલી સર્જાઈ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક સાથે મુસાફરી કરનારા પરિવારોની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. જે પરિવારોની પાસે મિડલ સીટ હતી, તેમને ઉતારી દેવા જોઈએ અથવા છોડી દેવા જોઈએ. અમારો વિચાર છે કે એર ઈન્ડિયાને ૧૦ દિવસ માટે મિડલ સીટ બુકિંગની સાથે ફલાઈટ્સ સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૬ જૂન સુધી ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં મિડલ સીટ બુક કરાવી શકાશે. પછીથી બોમ્બે હાઈકોર્ટ નિર્ણય કરશે કે આગળ શું કરવાનું છે.