શાહી ભોજન પીરસવામાં આવશે જી-20 બેઠકમાં વિદેશી પ્રતિનિધિઓને
ભારતના વડપણ હેઠળ થવા જઈ રહેલી જી-૨૦ શેરપા બેઠકમાં વિદેશી પ્રતિનિધિઓને ઉદયપુરમાં છપ્પન ભોગ વ્યંજનો પીરસવામાં આવશે. તેમાં રાજસ્થાની વ્યંજનો જેવા કે, દાલબાટી ચુરમા, બિકાનેરી ઘેવર, જોધપુરી માવા કચોરીની સાથે ગુજરાતી, હૈદરાબાદી, પંજાબી સહિતની ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે, તેવી માહિતી સરકારના અધિકારીએ આપી હતી.
ઉદયપુર ટુરિઝમના પ્રતિનિધિએ જણાવ્યું કે, જી-ર૦ની શેરપા બેઠકમાં વિદેશી મહેમાનોને રાજસ્થાની સાથે બીજા ભારતીય વ્યંજનો પીરસવામાં આવશે. તેમણે આ વિશે વધુ જાણકારી આપતા કહ્યું કે,ભારતના દરેક ભાગના ખાસ ગણાતા ફૂડ અને પીણાં મહેમાનોને પીરસવામાં આવશે. રાજસ્થાની ગટ્ટા કરી, કેર સંાગરી અને રાજસ્થાની ગટ્ટા પુલાવ સાથે ભારતીય મીઠાઈઓ જેવી કે, બિકાનેરી ઘેવર, જોધપુરી માવા કચોરી, કેસર ખીર, મલાઈ ઘેવર, મખ્ખન બડા સાથે ત્રણ અલગ પ્રકારના શીખંડ વિદેશી પ્રતિનિધિઓમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે. આ સાથે જ મોતીચુર, બેસન અને ડ્રાયફ્રૂટના લાડવા સૌનું ધ્યાન પોતાની તરફ ખેચશે.
ત્રણ દિવસ ચાલનાર જી-૨૦ની શેરપા બેઠકોમાં ત્વરિત, સર્વ સમાવેશી અને સ્થિતિ સ્થાપક વિકાસના અલગ અલગ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભોજન, ઈંધણ, ખાતર અને મહિલા નેતૃત્વમાં વિકાસ જેવા અનેક વિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકો બાદ પ્રતિનિધિઓ રાજસ્થાનના પર્યટક સ્થળોની મુલાકાત લેશે.