ઇઝરાયેલમાં કેટલા ભારતીયો છે? વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને આપી માહિતી
પશ્ચિમ એશિયા હાલમાં યુદ્ધના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ હમાસ, હિઝબુલ્લાહ, હુથી અને ઈરાન છે, જ્યારે બીજી બાજુ ઈઝરાયેલ આ બધાનો એકલો સામનો કરી રહ્યું છે. યુદ્ધની વચ્ચે શુક્રવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલયના પ્રતિનિધિમંડળે સંસદીય સમિતિને સંપૂર્ણ માહિતી સુપરત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ મંડળે સંસદીય સમિતિને પશ્ચિમ એશિયામાં યુદ્ધ તેમજ ભારત અને ચીન વચ્ચેના કરાર અને ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ વિશે પણ માહિતી આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રતિનિધિમંડળે સંસદીય સમિતિને જણાવ્યું છે કે હાલમાં ઈઝરાયેલમાં અંદાજે 30 હજાર ભારતીયો હોવાનો અંદાજ છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના કરાર હેઠળ બાંધકામ ક્ષેત્રના લગભગ 9,000 કામદારો અને 700 કૃષિ કામદારો ત્યાં ગયા છે. પ્રતિનિધિમંડળે સમિતિને ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકોને મદદ કરવાના પ્રયત્નો વિશે પણ માહિતી આપી હતી. પીએમ મોદીના વલણને પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત ઇચ્છે છે કે સંકટને વાતચીત દ્વારા ઉકેલવામાં આવે.
ચીન સાથેના કરાર અને કેનેડા સાથેના તણાવ અંગે પણ ચર્ચા થઈ હતી
માહિતી અનુસાર, સંસદીય સમિતિની બેઠકમાં સભ્યોએ પૂર્વ લદ્દાખમાં સરહદ સંકટના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચેની સમજૂતીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ સાથે ભારત-કેનેડા સંબંધોમાં આવેલી કડવાશ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓએ બંને મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચેની સમજૂતી 2020માં સરહદ સંકટ પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરશે.