ઓડિશામાં વહેલી સવારે સર્જાયો ભયાનક અકસ્માત, 7 લોકોના મોત
ઓડિશામાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત કેઓંજાર જિલ્લામાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 20 લોકોથી ભરેલી વેન રોડ પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ વાનમાં સવાર લોકો ઘાટગાંવ તારિણી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા.અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત થયો ત્યારે વેનની સ્પીડ ઘણી વધારે હતી. આશંકા વ્યક્ત કરતા પોલીસે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે શક્ય છે કે ડ્રાઈવરે ટ્રક ન જોઈ હોય અને અકસ્માત થયો.
અકસ્માત એટલો ભયંકર હતો કે વાન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. મૃતકોમાં બીજેડીના પૂર્વ રાજ્યસભા સાંસદ રેણુબાલા પ્રધાનના સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ઘાટગાંવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત ખૂબ જ ખરાબ છે તેમને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.