તમિલનાડુમાં ભારે વરસાદ, જનજીવન ઠપ; 7500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
તમિલનાડુમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લીધે જનજીવન ઠપ થયું છે. નદીઓમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. તેમજ દરીયા કિનારે આવેલા ચાર જીલ્લાઓમાં સૌથી ખરાબ સ્થિતી છે. રાજ્યમાં શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. સાવચેતીના પગલે NDRFના 250થી વધુ જવાનોને સ્ટેન્ડબાય રખાયા છે તેમજ 7500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. આગામી 48 કલાક પણ ભારે વરસાદની આગાહી હોવાથી સ્થિતી વધુ વણસી શકે છે.
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને અનેક સ્થળોએ વાહનોને નુકસાન થયું છે. તિરુનેલવેલી અને કન્યાકુમારી સહિતના જિલ્લામાં ઘણા સ્થળોએ 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. બચાવ અને રાહત કાર્ય માટે NDRF ની ટુકડીને તૈનાત કરાઇ છે.
હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ એક ચક્રવાત પરિભ્રમણની રચનાને કારણે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.