આજથી ભારત સંભાળશે G-20નું પ્રમુખપદ, વર્ષભર ૫૫ જગ્‍યાએ ૨૦૦ બેઠકો યોજાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વના સૌથી વધુ આર્થિક રીતે સમૃદ્ધ દેશોના બનેલા જૂથ કે જેને G-20 તરીકે ઓળખવામાં આવે છે તેનુ પ્રમુખપદ ભારત એક વર્ષ માટે આજથી સંભાળશે. આ એક વર્ષ દરમિયાન ભારતને મહત્‍વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વૈશ્વિક એજન્‍ડામાં યોગદાન આપવાની તક સાંપડશે. પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું એક મુખ્‍ય મંચ છે. G-20 વૈશ્વિક જીડીપીના ૮૫ ટકા, વિશ્વ વેપારના ૭૫ ટકાથી વધુ અને વિશ્વની બે તૃતીયાંશ વસ્‍તીનું પ્રતિનિધિત્‍વ કરે છે.

ભારતના G-20 ના પ્રમુખપદ દરમિયાન, દેશના વિવિધ શહેરોના ૫૫ સ્‍થળોએ ૩૨ વિવિધ ક્ષેત્રોમાં લગભગ ૨૦૦ બેઠકોનું આયોજન કરશે. આવતા વર્ષે યોજાનારી G-20 સમિટ ભારત દ્વારા આયોજિત સર્વોચ્‍ચ સ્‍તરની બેઠકો પૈકી એક હશે.G-20ના પ્રથમ બેઠક ડિસેમ્‍બરના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉદયપુર ખાતે યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ નવેમ્‍બરની શરૂઆતમાં ભારતની અધ્‍યક્ષતામાં G-20 લોગો, થીમ અને વેબસાઇટ લોન્‍ચ કરી હતી. ભારતના પ્રાચીન વારસા, આસ્‍થા અને વિચારધારાનું પ્રતીક સમાન કમળના ફુલને G-20ના લોગોમા સમાવેશ કર્યો છે.

ભારતG-20 નું પ્રમુખપદ સંભાળતાની સાથે જ, યુનેસ્‍કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્‍ડ હેરીટેજ સાઈટ્‍સ સહીત કેન્‍દ્ર સરકાર દ્વારા રક્ષિત ૧૦૦ સ્‍મારકોને એક સપ્તાહ માટે રોશનીથી પ્રકાશિત કરાશે. આ સ્‍મારકોમાં દિલ્લી સ્‍થિત હુમાયુનો મકબરો અને લાલ કિલ્લો, ગુજરાત સ્‍થિત મોઢેરાનું સૂર્ય મંદિર, ઓડિશા સ્‍થિત સૂર્ય મંદિર, બિહારમાં આવેલ શેરશાહનો મકબરો અને રાજગીરમાં આવેલ નાલંદા યુનિવર્સિટીના ઈમારત અને પ્રાચીન બાંધકામો અને અન્‍ય સ્‍મારકો, બંગાળની રાજધાની કોલકાતામાં મેટકાફ હોલને પણ રોશનીનીથી ઝળહળતા કરાશે. આ ઉપરાંત મુદ્રા ભવન, બામ જીસસની બેસિલિકા અને ગોવામાં ચર્ચ ઓફ લેડી ઓફ રોઝરી, ટીપુ સુલતાનનો મહેલ અને કર્ણાટકમાં ગોલ ગુમ્‍બાઝ અને સાંચી બૌદ્ધ સ્‍મારકો અને મધ્‍યપ્રદેશમાં ગ્‍વાલિયરનો કિલ્લાને પણ પ્રકાશીત કરાશે.

આ દરમિયાન આ રક્ષિત સ્‍મારકો ઉપર G-20નો લોગો પણ પ્રકાશિત કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્‍યું કે સ્‍મારક પર લગાવવામાં આવનાર લોગોનું કદ સ્‍થળની પ્રકૃતિ અને ડિઝાઇન પર નિર્ભર રહેશે. ભારતમાં યુનેસ્‍કો દ્વારા જાહેર કરાયેલ ૪૦ વર્લ્‍ડ હેરિટેજ સાઇટ્‍સ છે અને મોટાભાગના સાંસ્‍કૃતિક સ્‍થળો ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણ હેઠળ રક્ષિત જાહેર કરાયેલા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.