પાડોશી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, આગામી 2 માટે અપાયું રેડ એલર્ટ
દેશના અમુક જ વિસ્તારો એવા બચ્યા છે જ્યાં ચોમાસાનું આગમન થયું નથી. રાજસ્થાનમાં પણ ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે અને ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે સમગ્ર રાજ્યનું તાપમાન હવે 39 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ ખુશનુમા છે. એક તરફ વરસાદે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે.
વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
આ સાથે પૂર્વી રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 2જી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. અલવર, ભરતપુર, દૌસા, જયપુર, સીકર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે આંધી, વીજળી અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તો ઝુંઝુનુ, ચુરુ, જયપુર શહેર, દૌસા જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.