ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ
ન્યુ દિલ્હી : યુપીએ સરકાર વખતે મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઇને ભાજપ દ્વારા દિલ્હીની સડકો પર ભારે વિરોધ કરાતો હતો. પરંતુ અનલોક-૧માં મોદી સરકારે આજે સતત ૧૮મા દિવસે પેટ્રોલ અને ડિઝલમાંથી પેટ્રોલને બાકાત રાખીને માત્ર ડિઝલ પર ૪૮ પૈસાનો વધારો કરતાં તે સાથે જ બળતણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો હતો. જેમાં દેશમાં પહેલીવાર પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘુ થયું હતું. દિલ્હીમાં આજે ડિઝલનો ભાવ રૂ. ૭૯.૮૮ પ્રતિ લિટર હતો. જ્યારે પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૭૬ પૈસા જાવા મળ્યો હતો, સામાન્ય રીતે અત્યાર સુધી બળતણના ભાવ ક્ષેત્રે એવુ જાવા મળતું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવની વચ્ચે ૫ કે ૧૦ રૂપિયાનું અંતર રહેતું હતું. પરંતુ હવે એ અંતર ધીમે ધીમે ઓછુ થઇને ડિઝલના ભાવ પેટ્રોલની સમકક્ષ અને હવે તેનાં કરતાં પણ આગળ નિકળી જતાં નાણાં બચાવવા પેટ્રોલના બદલે ડિઝલથી ચાલતી કાર લેનારા વાહનમાલિકો માટે પસ્તાવોનો વારો આવી શકે તેમ છે.