ભડકાઉ નિવેદનો કરનારાઓ વિરુદ્ધ કેસ, ઓવૈસી અને નરસિંહાનંદનું નામ પણ સામેલ

રાષ્ટ્રીય
FIR Registered
રાષ્ટ્રીય

બીજેપીના બે પૂર્વ નેતાઓ નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલે પયગંબર મોહમ્મદ પર આપેલા નિવેદનનો મામલો શાંત થતો જણાતો નથી. છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દો મેઈનસ્ટ્રીમથી લઈને સોશિયલ મીડિયા સુધી ચર્ચામાં છે. દરમિયાન, દિલ્હી પોલીસે વાંધાજનક નિવેદનો અથવા સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કડક વલણ અપનાવ્યું છે. પોલીસે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સહિત અનેક લોકો સામે કથિત ઉશ્કેરણીજનક નિવેદનો બદલ FIR નોંધી છે.

કોની કોની વિરુદ્ધ FIR?

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નામ પણ તે લોકોમાં સામેલ છે જેમની વિરુદ્ધ દિલ્હી પોલીસે બુધવારે કથિત ઉશ્કેરણીજનક નિવેદનો માટે કેસ નોંધ્યો છે. તેમના સિવાય યતિ નરસિંહાનંદ, નુપુર શર્મા, નવીન જિંદાલ સહિત ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં (FIR Registered )આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાજપના પૂર્વ નેતાઓ નુપુર શર્મા, નવીન કુમાર જિંદાલ, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, પોતાના ઉશ્કેરણીજનક નિવેદનો માટે જાણીતા યતિ નરસિંહાનંદ, પીસ પાર્ટીના શાદાબ ચૌહાણ, પત્રકાર સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને હિન્દુ મહાસભાની પૂજા શકુન પાંડેના નામ છે.

જીભ કાપી નાંખવાથી લઇને આંખો ફોડી નાંખવા સુધીની ધમકી

દિલ્હી પોલીસ હવે આરોપીઓને સમન્સ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. મૌલાન મુફ્તી નદીમનું ખૂબ જ ભડકાઉ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. નદીમ રાજસ્થાનનો રહેવાસી છે અને વાયરલ વિડીયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે જો કોઈ તેના ધર્મ વિરુદ્ધ બોલશે તો તેની જીભ કાપી નાંખવામાં આવશે, આંખો બતાવશે તો તેની આંખો ફોડી નાંખવામાં આવશે, આંગળી બતાવશે તો આંગળી કાપી નાંખવામાં આવશે. એ જ રીતે હિન્દુ મહાસભાના પૂજારી શકુન પાંડે પણ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા માટે જાણીતા છે. તાજેતરમાં, પાંડેએ 5 જૂને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખીને શુક્રવારની પ્રાર્થનાને હિંદુ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

લોકો ઉશ્કેરણીજનક નિવેદનો અથવા પોસ્ટ કરવાથી દૂર રહે

નૂપુર-નવીન એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર લોકોના અભિપ્રાય વહેંચાયેલા છે. જ્યાં ઘણા લોકો નુપુર અને નવીન જિંદાલનો વિરોધ કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે તો ઘણા લોકો ખુલ્લેઆમ તેમનું સમર્થન કરી રહ્યા છે. દરમિયાન, દિલ્હી પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઉશ્કેરણીજનક નિવેદનો અથવા પોસ્ટ કરવાથી દૂર રહે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જે લોકોએ જાહેર શાંતિ જાળવવા અને વિભાજનના આધારે લોકોને ઉશ્કેરવા વિરુદ્ધ મેસેજ પોસ્ટ અને શેર કર્યા તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતા કલમ 153 હેઠળ (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઈરાદાપૂર્વક ઉશ્કેરણી કરવી), 295 (કોઈપણ ધર્મનું અપમાન કરવાના ઈરાદા સાથે પૂજા સ્થાનોનું અપમાન કરવું) અને 505 (જાહેરમાં તોફાન ફેલાવતા નિવેદનો કરવા) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા છે.

બે અલગ-અલગ FIR નોંધવામાં આવી

અધિકારીએ જણાવ્યું કે, બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. એક કેસ શર્મા વિરુદ્ધ અને બીજો કેસ ઓવૈસી, જિંદાલ, નરસિંહાનંદ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન અને ગુલઝાર અંસારી સહિત અન્ય લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે માહિતી માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસ મોકલવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.