મેરઠમાં નકલી પેટ્રોલ-ડીઝલની ફેક્ટરી પકડાઈ, જાણો કેવી રીતે કરતા હતા આખો ખેલ, એક દિવસની કમાણી થઈ 6 લાખ રૂપિયા
મેરઠના ગેઝા ગામમાં અનેક એકરમાં બનેલી નકલી ડીઝલ-પેટ્રોલ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અહીં અસલી પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોમાં ભેળસેળ કરવામાં આવતી હતી અને રોજની આશરે રૂ.6 લાખની કમાણી થતી હતી. પોલીસે આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરી છે. ત્રણ દરવાજાની અંદર નકલી તેલ તૈયાર કરીને પેટ્રોલ અને ડીઝલના ટેન્કરમાં ભેળવવામાં આવતું હતું. અહીં ભૂગર્ભમાં મોટા ટેન્કરો ગોઠવવામાં આવ્યા હતા, જેના દ્વારા હાઇડ્રોકાર્બન સોલવન્ટ તૈયાર કરીને મિશ્રિત કરવામાં આવતા હતા.
મેરઠ પોલીસે બાતમીના આધારે બુધવારે સાંજે મેરઠના ગેઝા ગામમાં એક મોટા ગોદામ પર દરોડો પાડ્યો અને ફેક્ટરીને સીલ કરી દીધી. પોલીસને બાતમી મળી હતી કે આ વેરહાઉસમાં અનેક એકરમાં નકલી પેટ્રોલ અને ડીઝલ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. પોલીસને જોતાની સાથે જ ફેક્ટરીના માલિક મનીષ અને તેના સહયોગીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ઘેરી લીધા હતા અને તમામની ધરપકડ કરી હતી. ફેક્ટરીમાં કામ કરતા છ લોકો ઉપરાંત HPCL ડેપોમાંથી ટેન્કર લાવનારા બે ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે.