અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેમના 3 અંગરક્ષકો સહિત ઘણા લોકોના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેમના 3 અંગરક્ષકો સહિત ઘણા લોકોના મોત થયા છે. તાલિબાન સરકારમાં શરણાર્થી બાબતોના પ્રધાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ મંત્રાલયની અંદર થયો હતો અને શરણાર્થી બાબતોના પ્રધાન ખલીલ હક્કાનીનું મૃત્યુ થયું હતું. ત્રણ વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા પર કબજો મેળવ્યા બાદ બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલા ટોચના અધિકારીઓમાં હક્કાનીનો એક હતો. વિસ્ફોટની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી.
ખલીલ રહેમાન હક્કાનીના મોતને તાલિબાન માટે મોટો ફટકો માનવામાં આવે છે. હક્કાની આ સંગઠનના ટોચના નેતૃત્વનો ભાગ હતો. વિસ્ફોટ બાદ મંત્રાલય પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટને કારણે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટમાં આત્મઘાતી બોમ્બરનું પણ મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
તાલિબાન સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ હુમલો તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો હેતુ હતો. તાલિબાને આ હુમલા પાછળ કોઈ ચોક્કસ જૂથ કે સંગઠનનું નામ લીધું નથી. આ ઘટના બાદ તાલિબાને સુરક્ષા વધારવા અને આવા હુમલા રોકવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે.
Tags Afghanistan's explosion Kabul