આઝાદીના 72 વર્ષે પણ કોઈ કાયદો નહીં સીઈસી-ચૂંટણી કમિશનરની નિમણૂકો માટે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના લોકતંત્ર માટેની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની બંધારણીય રીતે નિમણૂક કરવા દેશ આઝાદ થયાના ૭૨ વર્ષે પણ કોઈ કાયદો નહીં હોવા અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે સુપ્રીમે દેશમાં વર્તમાન સમયમાં ટીએન શેષાન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે બંધારણની ચૂપકિદીનો ફાયદો ઉઠાવવા અને ચૂંટણી કમિશનરો તથા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકોને નિયંત્રિત કરનારા કાયદાની ગેરહાજરી ચિંતાજનક ગણાવી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂકની વાત કરતી બંધારણની કલમ ૩૨૪નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ કલમ આવી નિમણૂકો માટે યોગ્ય પ્રક્રિયા પૂરી પાડતી નથી. આ સિવાય તેણે આ સંબંધમાં સંસદ દ્વારા એક કાયદો બનાવવાની કલ્પના કરી હતી, જે છેલ્લા ૭૨ વર્ષ પછી પણ માત્ર કલ્પના જ રહી છે. કેન્દ્રની સરકારોએ તેનો માત્ર લાભ જ ઉઠાવ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં ૨૦૦૪ પછી કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશનર છ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. યુપીએ સરકારના ૧૦ વર્ષમાં છ મુખ્ય ચૂંટણી કમિશનર હતા તો એનડીએ સરકારના આઠ વર્ષના શાસનમાં આઠ સીઈસી બન્યા છે. ન્યાયમૂર્તિ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું કે આ સમયમાં બંધારણીય પદ પર આટલી મોટી સંખ્યામાં નિમણૂકો ચિંતાજનક બાબત છે.
આ અંગે બંધારણમાં કોઈ સંતુલન નથી. આ પ્રકારે બંધારણની ચૂપકિદીનો લાભ ઉઠાવાઈ રહ્યો છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કોઈ કાયદો નથી અને તેને કાયદાકીય રીતે યોગ્ય માનવામાં આવે છે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી વ્યવસ્થાની માગણી કરતી અરજીઓ પર સુનાવણી સમયે આ ટીપ્પણી કરી હતી. આ બેન્ચમાં ન્યાયાધીશો અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, ઋષિકેશ રૉય અને સીટી રવિકુમારનો પણ સમાવેશ થાય છે. બેન્ચે કહ્યું કે સીઈસી ભલે એક સંસ્થાનું નેતૃત્વ કરતા હોય, પરંતુ પોતાના નાના કાર્યકાળમાં તેઓ કશું જ મહત્વપૂર્ણ કરી શકતા નથી. બેન્ચે આ સમયે ટીપ્પણી કરી હતી કે દેશને ટીએન શેષાન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.