450 ગેસ-સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી ત્રાટકી: અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક હાઇવે બંધ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા ઊડ્યા

ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. આગ લાગવાને પરિણામે એમાં રહેલાં સિલિન્ડર્સ એક પછી એક ફાટવા લાગ્યાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં રહેલાં તમામ સિલિન્ડરમાં એક પછી એક વિસ્ફોટો થયા હતા. અકસ્માતના લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ છે. બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા. તેમને ડાઇવર્ટ કરીને જહાજપુરથી બસોલીના વળાંકથી મોકલાયા હતા.

બુધવારે સવારે ઘટનાસ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવાયા હતા. ત્યાર પછી આસપાસના વિસ્તારોમાંથી સિલિન્ડર્સના ટુકડાઓ એકત્રિત કરવાની કામગીરી કરાઈ રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ટ્રકડ્રાઈવર અને ખલાસીની દેવલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી.

5થી 7 કિમી દૂર સૂધી આગની જ્વાળાઓ દેખાઈ હતી

અકસ્માત એટલો ગંભીર હતો કે આગની જ્વાળાઓ લગભગ 5થી 7 કિમી દૂર સુધી નજરે પડી રહી હતી. ઘટનાની જાણ થતાં હનુમાનનગરની સ્થાનિક પોલીસ પણ હાઈવે પર પહોંચી હતી, પરંતુ સિલિન્ડર્સમાં વારાફરતી વિસ્ફોટો થતો રહેતો હતો અને ભીષણ આગની જ્વાળાઓ પણ ઊઠતી હતી, જેને પરિણામે ફાયરબ્રિગેડ કે પોલીસે નજીક જવાની હિંમત દાખવી નહોતી.

સિલિન્ડરના ટુકડાઓ નજીકનાં મકાનોના ધાબા સુધી પહોંચ્યા હતા
રાત્રિના આઠ વાગ્યાની આસપાસ સુમારે ટીક ગામના વળાંક નજીક પસાર થઈ રહેલી ટ્રક પર ધડાકાભેર વીજળી પડી હતી,.જેને કારણે ટ્રક બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી અને એમાં રહેલા સિલિન્ડર્સના જથ્થાઓમાં એક પછી એક આગ લાગવા માંડી હતી. આ અકસ્માતને પગલે હાઇવે, ટીકડ સહિતનાં ગામડાંમાં ખળભળાટ મચી ગયો હતો. વિસ્ફોટની સાથે સિલિન્ડર્સ એક કિલોમીટર દૂર ઊછળી રહ્યાં હતાં.

ઘટનાસ્થળથી 150 મીટર દૂર પણ ઊભા રહેવું જોખમી હતું

દેવલીનગર પાલિકાના ફાયર વિભાગમાં કાર્ય કરતા દિનેશે કહ્યું હતું કે ઘટનાસ્થળથી લગભગ 150 મીટર દૂર ઊભા રહેવું પણ જોખમી હતું. ફાયરબ્રિગેડની ટીમ પણ ટ્રકની નજીક જઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. દુર્ઘટનામાં 35 વર્ષીય ટ્રકચાલક સતરાજ મીણા કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જોકે આગની જ્વાળાઓને પરિણામે ડ્રાઈવર શરીરના વિવિધ ભાગે દાઝી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.