ચક્રવાતી તોફાન ‘રેમલ’ તબાહી સાથે વધી રહ્યું છે આગળ, કોલકાતામાં ભારે વરસાદની શરૂઆત, ટ્રેનો અને ફ્લાઇટ્સ કરાઈ રદ
ચક્રવાત ‘રેમલ’ એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને રવિવારની મધ્યરાત્રિ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી ધારણા છે. ચક્રવાત રેમલ પહેલા, NDRF ટીમ બંગાળના બસીરહાટમાં તૈનાત કરવામાં આવી છે. IMD અનુસાર, ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા છે. રેમલની ચેતવણી વચ્ચે કોલકાતા એરપોર્ટે ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એરપોર્ટ સહિત શહેરમાં વરસાદ શરૂ થયો છે.
ઝડપથી ફૂંકાઈ રહ્યા છે પવન
હવામાન વિભાગે કહ્યું કે જ્યારે રેમલ કિનારે પહોંચશે ત્યારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેનો વેગ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની ધારણા છે.
હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ‘રેમલ’ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને રવિવારની મધ્યરાત્રિ સુધીમાં મોંગલા બંદરની દક્ષિણ-પશ્ચિમ નજીક સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપારા (બાંગ્લાદેશ) વચ્ચેના દરિયાકાંઠાને પાર કરતા પહેલા વધુ તીવ્ર થવાની સંભાવના છે.
ટ્રેન સેવાઓ રદ, ફ્લાઈટ્સ સ્થગિત
ચક્રવાતને ધ્યાનમાં રાખીને, પૂર્વ અને દક્ષિણ પૂર્વીય રેલ્વેએ સાવચેતીના પગલા તરીકે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી ટ્રેન સેવાઓ રદ કરી છે. કોલકાતા એરપોર્ટ સત્તાવાળાઓએ ચક્રવાત રેમલની સંભવિત અસરને કારણે રવિવાર બપોરથી 21 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ સહિત કુલ 394 ફ્લાઈટોને અસર થશે.
માલ અને કન્ટેનર હેન્ડલિંગ કામગીરી સ્થગિત
ચક્રવાતની આગાહીને કારણે કોલકાતા સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ પર કાર્ગો અને કન્ટેનર હેન્ડલિંગ કામગીરી પણ રવિવાર સાંજથી 12 કલાક માટે સ્થગિત કરવામાં આવશે. રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં, ચક્રવાત ઉત્તર બંગાળની ખાડીમાં સાગર દ્વીપથી 240 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું અને તે દરમિયાન 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેની ગતિ 110 કિમી પ્રતિ કલાકની હતી. .