દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 98 હજાર 445 થઈ દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન નહીં વધારવાની જાહેરાત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 98 હજાર 445 થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે આજે એ અરજીને ફગાવી દીધી છે, જેમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, દિલ્હીમાં લોકડાઉન વધારવામાં નહીં આવે. જો કે એક દિવસ પહેલા રાજ્ય સરકારે કહ્યું હતું કે, દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતે ખોટી ગણાવી હતી.
સાથે જ મહારાષ્ટ્ર સરકારે પણ લોકડાઉન ન વધારવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે ભીડમાં ભેગા ન થશો અને નિયમોનું પાલન કરો.તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી ધનજંય મુંડે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મુંડે ઠાકરે સરકારમાં સંક્રમિત થનારા ત્રીજા મંત્રી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા મંત્રી જિતેન્દ્ર આવ્હાડ અને અશોક ચૌહાણ સંક્રમિત થયા હતા. જો કે હવે બન્ને સાજા થઈ ચુક્યા છે.