કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશને મોટી સફળતા મળી રહી છે
નવીદિલ્હી : દેશમાં કોવિડ-૧૯ દર્દીઓના ડબલિંગ રેટ, રિકવરી રેટ અને ડેથ રેટ ત્રણેય સ્તરે પર સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોના વાયરસ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ત્રણેયના અલગ અલગ આંકડા રજૂ કર્યા હતા જેથી જાણી સકાય છે કે, કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશને મોટી સફળતા હાથ લાગી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં ડબલિંગ રેટ લોકડાઉનથી પહેલા ૩.૪ દિન હતો જે હવે વધીને ૧૧ દિવસ થઇ ગયો છે. આના કરતા પણ સારી બાબત એ છે કે, કેટલાક રાજ્યોમાં ડબલિંગ રેટ રાષ્ટ્રીય ટકાવારી કરતા પણ વધારે છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હી, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઓરિસ્સા, તમિળનાડુ અને પંજાબમાં ૧૧થી ૨૦ દિવસનો ડબલિંગ રેટ છે. કર્ણાટક, લદાખ, હરિયાણા, ઉત્તરાખંડ અને કેરળમાં કોવિડ-૧૯ દર્દીઓનો ડબલિંગ રેટ ૨૦થી ૪૦ દિવસ વચ્ચે જાવા મળી રહ્યો છે. આસામ, તેલંગાણા, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં ડબલિંગ રેટ ૪૦ દિવસથી પણ વધુ જાવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, હજુ સુધી દેશભરમાં ૨.૩ ટકા કોવિડ-૧૯ના દર્દીઓના મોત થયા છે. મરનાર લોકોમાં ૬૫ ટકા પુરુષો અને ૩૫ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. વયને લઇને જા વાત કરવામાં આવે તો ૪૫થી ઓછી વયના માત્ર ૧૪ ટકા દર્દીઓના મોત થયા છે.
Tags corona