કોરોના : એક દિવસમાં ૪૪૫નાં મોત, નવા ૧૪,૮૨૧ કેસ
નવી દિલ્હી : ભારતમાં સોમવારે કોવિડ-૧૯ના ૧૪,૮૨૧ નવા ચેપગ્રસ્તો નોંધાયા હતા. જેના પગલે હવે દેશમાં ખતરનાક વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૨૫,૨૮૨ થઈ ચૂકી છે. દેશમાં સૌપ્રથમવાર મહામારીથી એક જ દિવસમાં ૪૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે સવાર સુધીમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન કુલ ૪૪૫ લોકોના મોત નિપજ્યા છે. તેની સાથે મૃત્તકોની સંખ્યાનો કુલ આંક ૧૩,૬૯૯ પર પહોંચ્યો છે. આ પૂર્વે ૧૨મી જૂને એક દિવસમાં મૃત્તકોની સંખ્યા ૩૯૬ જોવા મળી હતી. હવે એક જ દિવસમાં એટલે કે ૨૪ કલાકમાં કોરોના વાયરસથી મોતની સોડ તાણી લેનારાઓની વાત કરીએ તો ૨૧મી જૂને ૩૦૬ લોકોના મોત થયા હતા. ૨૦મી જૂને ૩૭૫, ૧૯મી જૂને ૩૩૬, ૧૮મી જૂને ૩૩૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૭મી જૂને આ આંકડો ૨૦૦૩નો હતો. દેશમાં ૧૭મી જૂને મૃત્યુનો આંક અચાનક વધવા પાછળ મહારાષ્ટ્ર અને દિલ્હી દ્વારા પોતાના રાજ્યમાં કોવિડ-૧૯થી થયેલા મોતના આંકડાને અપડેટ કરવાનું કારણ જવાબદાર હતું. મહારાષ્ટ્ર રાજ્યમાં મૃત્યુનો આંકડો ૧૩૦૦થી વધુ અને દિલ્હીમાં ૪૦૦થી વધુ મૃત્યુનો આંક ઉમેર્યો હતો. આ દર્દીઓના મોત જૂન તેમજ તેનાથી પહેલાંના સમયગાળામાં થયા હતા. આ રીતે ૧૭મી જૂને પણ ૩૦૦થી વધુ લોકોના મોત નોંધાયા હતા. આ પહેલાં ૧૬મી જૂને ૨૪ કલાકમાં ૩૮૦ લોકોના મોત, ૧૫મી જૂને ૩૨૫, ૧૪મી જૂને ૩૧૧, ૧૩મી જૂને ૩૮૬ અને ૧૧મી જૂને ૩૫૭ લોકોના મોત નોંધાયા હતા.