મેક ઇન ઇન્ડિયા હેઠળ ક્રૂઝનું નિર્માણ : અયોધ્યામાં સરયૂ નદીમાં 5 માળની ક્રૂઝ શરૂ થશે યોગી સરકાર સાથે MOU
અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરીએ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ વચ્ચે આખું અયોધ્યા રામલલ્લાની તૈયારીઓમાં લાગી ગયું છે. અહીં વહેતી સાત નદીઓ પરથી રામનગરીની ભવ્યતાની કલ્પના કરી શકાય છે. પવિત્ર નદી સરયૂ રામનગરીની ઓળખ તરીકે વહે છે, પરંતુ રામનગરીમાં માત્ર સરયૂ જ નથી પરંતુ અન્ય ઘણી નદીઓ પણ છે.
રામનગરીની 84 કોસી પરિક્રમા તે સ્થાનથી શરૂ થાય છે જ્યાં રાજા દશરથે પુત્રની ઈચ્છા સાથે ત્રેતામાં યજ્ઞ કર્યો હતો. આ સ્થળે પહોંચવા માટે સરયૂ સાથે કુટિલા નામની નદી પાર કરવી પડે છે. ભક્તો આ નદીઓને વંદન કરે છે અને 84 કોસી પરિક્રમા શરૂ કરવા માટે આગળ વધે છે. ત્યારે અયોધ્યાની સરયૂ પવિત્ર નદી પર ફ્લોટિંગ ક્રૂઝ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે આ ફ્લોટિંગ ક્રૂઝ ઘણી મોટી હશે અને યુપીની યોગી સરકાર સાથે તેના એમઓયુ પણ થઈ ગયા છે.
પાંચ માળની ક્રૂઝમાં પાંચ હજાર પેસેન્જરની ક્ષમતા હશે : સિંગાપોર | મલેશિયા સહિતના વિદેશનાં શહેરોમાં જોવા મળતા વિવિધ સુવિધાઓથી સજ્જ ફ્લોટિંગ ક્રૂઝ મુજબના મોડલ બનાવવામાં આવશે. અયોધ્યા નદી પર શરૂ થનારી ફ્લોટિંગ ક્રૂઝ સૌથી મોટી એટલે કે પાંચ માળની હશે જેમાં 5000 શ્રદ્ધાળુઓ બેસી શકે તેટલી ક્ષમતા વાળી બનાવાશે. સેન્ટ્રલી એસી ક્રૂઝમાં લન્ચ, ડિનર, હાઈ-ટીની મજા માણી શકાશે.
ક્રૂઝમાં ગુજરાતી ભાણું પીરસાશે : ખાસ કરીને ગુજરાતમાંથી જનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી ક્રૂઝમાં ગુજરાતી ભાણું પીરસવામાં આવશે.
ટિકિટના દર બાદમાં નક્કી થશે : તાજેતરમાં જ રિવરફ્રન્ટ ઉપર તરતી મુકાયેલી ફ્લોટિંગ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા હેઠળ ગુજરાતના બીલીમોરા શિપયાર્ડમાં તૈયાર કરાઈ છે તેવી જ રીતે અયોધ્યામાં શરૂ થનાર ક્રૂઝ મેક ઈન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે. કેટલી ટિકિટ રાખવી તે હજુ નક્કી નથી.