દિલ્હીમાં આજે રહેશે વાદળછાયું વાતાવરણ, યુપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Weather: દિલ્હીમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે દિલ્હી-NCRમાં હળવા વરસાદની આગાહી કરી છે. શનિવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ પડ્યો હતો અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું છે.
રવિવારે આંશિક વાદળછાયું રહેવાની શક્યતા
હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે રવિવારે આકાશમાં મુખ્યત્વે વાદળછાયું હોઈ શકે છે અને હળવા વરસાદની શક્યતા છે. નવીનતમ માહિતી અનુસાર, રવિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 33 અને 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. બીજી તરફ શનિવારે સવાર સુધીના 24 કલાકના ગાળામાં શહેરમાં 54 મીમી વરસાદ નોંધાયો હતો. ભેજનું પ્રમાણ 100 ટકા અને 70 ટકા વચ્ચે હતું.
યુપીના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
6 ઓગસ્ટે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. બીજી તરફ પૂર્વી યુપીના ઘણા શહેરોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. રવિવારે સંતકબીર નગર, સિદ્ધાર્થનગર, શ્રાવસ્તી સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. એક ડઝનથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.