ભારતના હિંદ મહાસાગરના બધા કુદરતી સ્ત્રોત પર ચીન કબજો જમાવવા માંગે છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીને ગયા અઠવાડિયે બોલાવેલી એક બેઠકની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા છે કેમ કે આ બેઠકમાં ભારતને નિમંત્રણ નહોતું અપાયું. ૨૧ નવેમ્બરે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા 20 દેશો સાથેની આ બેઠકમાંથી માત્ર ભારતને જ બાકાત રખાયું હતું. ચીનના વિદેશ મંત્રાલયની એજન્સી ચાઈના ડેવલપમેન્ટ કો-ઓપરેશન એજન્સી (સિડકા)એ બોલાવેલી બેઠકમાં ચીનનો મુકાબલો કરવા અમેરિકાના ઈશારે રચાયેલા ચાર દેશોના સંગઠન ક્વેડના સભ્ય એવા ઓસ્ટ્રેલિયાને પણ નિમંત્રણ અપાયેલું પણ ભારતની સાવ બાદબાકી કરી નંખાયેલી તેના કારણે ચીનનો સીક્રેેટ એજન્ડા શું છે એ મુદ્દો ચર્ચાંમાં છે.
ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ બેઠકની વિગતો બહાર પાડી છે. તેમાં દાવો કરાયો છે કે, યુન્નાન પ્રાંતના કુમિંગમાં થયેલી બેઠકમાં બ્લુ ઈકોનોમી અંગે ચર્ચા થઈ હતી. મહાસાગરના સ્રોતનો આર્થિક વિકાસ માટે ઉપયોગ કરવાની પ્રવૃત્તિ માટે બ્લુ ઈકોનોમી શબ્દ વપરાય છે. મહાસાગરની ઈકોસિસ્ટમને નુકસાન કર્યા વિના કઈ રીતે માનવજાતના આર્થિક ફાયદા માટે મહાસાગરોનો ઉપયોગ કરી શકાય એ વિચાર બ્લુ ઈકોનોમીમાં કેન્દ્રસ્થાને છે.
હિંદ મહાસાગર દુનિયાના મોટા મહાસાગરોમાં એક છે. હિંદ મહાસાગરમાં અલગ અલગ કુદરતી સંપત્તિઓનો અખૂટ ખજાનો છે. આ સંપત્તિનો ઉપયોગ હિંદ મહાસાગર વિસ્તારમાં આવેલા દેશો કઈ રીતે કરી શકે તેની ચર્ચા માટે આ બેઠક બોલાવાયેલી એવો ચીનનો સત્તાવાર દાવો છે.
આ દાવાને સ્વીકારીએ તો પણ ભારતની બાદબાકીનો સંતોષકારક જવાબ નથી મળતો. હિંદ મહાસાગર વિસ્તારમાં ભારત સૌથી મોટો દેશ છે. ભારતની પચાસ ટકા સરહદ હિંદ મહાસાગરથી ઘેરાયેલી છે એ જોતાં આ ચર્ચામાં ભારતને પ્રાધાન્ય મળવું જોઈએ.
તેના બદલે ચીને ભારતને નિમંત્રણ આપવાની તસદી સુધ્ધાં ના લીધી તેનો અર્થ એ થાય કે, ચીનની દાનત ખોરી છે. ચીન હિંદ મહાસાગરના બધા કુદરતી સ્રોત પર કબજો કરીને પોતે માલદાર થવા માગે છે, ભારતને તેમાં કશું આપવાની તેની તૈયારી નથી.
ચીન ભારત વિરોધી માનસિકતા ધરાવે છે અને ભારત પોતાનો સૌથી કટ્ટર દુશ્મન હોય એ રીતે જ વર્તે છે. ચીનની આ માનસિકતાનો આ વધુ એક નાદાર નમૂનો છે.
ભારતે ચીનના આ ઉધામા સામે સતર્ક બનવાની જરૂર છે. ચીને હિંદ મહાસાગરમા વ્યાપારના નામે લશ્કરી પ્રવૃત્તિઓ વધારી છે. મહાસાગરમાં આવેલા મોટા ભાગના દેશોમાં તેનાં લશ્કરી થાણાં નાખ્યાં છે તેના કારણે ભારતને ખતરો છે જ. હવે ચીન આર્થિક વિકાસ અને સહકારના નામે આ દેશોમાં પગપેસારો કરી રહ્યું છે.
આ દેશોમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને બાદ કરતાં બાકીના દેશો આથક રીતે સધ્ધર નથી. ચીન પોતાની આર્થિક તાકાતના જોરે તેમને સરળતાથી ખરીદી શકે તેમ છે એ જોતં ભવિષ્યમાં આ દેશો ચીનના ખંડિયા બની જાય એવી પ્રબળ શક્યતા છે. તેનો ઉપયોગ ચીન હિંદ મહાસાગરના કુદરતી સ્રોત પર કબજો કરવા કરે જ તેથી ભારતે જાગવું જ પડે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.