હીટવેવના કારણે થતા મોત બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, આરોગ્ય મંત્રીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
ઉત્તર પ્રદેશના બલિયામાં હીટ વેવને કારણે અનેક લોકોના મૃત્યુ થયા બાદ કેન્દ્ર સરકાર આ અંગે એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દેશભરમાં હીટ વેવથી બચવા માટેની તૈયારીઓને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકોને જાગૃત કરવા અને હીટ સ્ટ્રોકથી બચવા માટે આરોગ્ય સેવાઓની સજ્જતા અંગે વિચાર મંથન થશે.
મીડિયા અહેવાલો અનુસાર, 15 જૂનથી 18 જૂન સુધી હીટવેવને કારણે ઉત્તર પ્રદેશના બલિયામાં જિલ્લા હોસ્પિટલમાં ઓછામાં ઓછા 68 દર્દીઓના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જોકે તેમના મોટા ભાગના દર્દીઓ અન્ય બીમારીઓથી પીડિત હતા અને હીટવેવએ તેમની સમસ્યાઓમાં વધારો કર્યો.