નેપાળમાં બસને નડ્યો અકસ્માત, ૬ ભારતીય યાત્રાળુ સહીત ૭ લોકોનાં મોત
નેપાળના દક્ષિણ મેદાનોના બારા જિલ્લામાં ગુરુવાર (24 ઓગસ્ટ)ના રોજ એક માર્ગ અકસ્માતમાં 6 ભારતીય યાત્રાળુઓ સહિત 7ના મોત થયા હતા અને 19 ઘાયલ થયા હતા. નેપાળ પોલીસે આ જાણકારી આપી છે. નેપાળના બારાના જીતપુર સિમરા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ સાત લોકોની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, બસમાં શ્રદ્ધાળુઓ હતા, જેમાંથી મોટાભાગના ભારતના હતા.
કાઠમંડુ થી જનકપુર જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ આજે સવારે 2:00 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. ડીપીઓ પોલીસ અધિક્ષક સીતારામ રિજાલના જણાવ્યા અનુસાર બસમાં કુલ 26 મુસાફરો હતા. આ દુર્ઘટનામાં 19 લોકો ઘાયલ પણ થયા છે, જેમની હેટૌડા હોસ્પિટલ, હેટૌડા સાંચો હોસ્પિટલ, ચુરેહિલ હોસ્પિટલ અને ચિતવનની જૂની મેડિકલ કોલેજ ભરતપુરમાં સારવાર ચાલી રહી છે. બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ અકસ્માતમાં ત્રણ નેપાળી સહિત 14 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. તેઓ કાઠમંડુના પશુપતિનાથ મંદિરના દર્શન કર્યા બાદ જનકપુર જઈ રહ્યા હતા.