સુપ્રીમ કોર્ટથી સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે; 2 છોકરીઓને બંધક બનાવવાનો આરોપ
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને વડા સદગુરુ જગ્ગી વાસુદેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પર રોક લગાવી દીધી છે. નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે ફાઉન્ડેશન વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કામરાજે હાઈકોર્ટમાં દાખલ હેબિયસ કોર્પસ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓ લતા અને ગીતાને ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં બંધક બનાવવામાં આવી છે. આ પછી હાઈકોર્ટે આશ્રમ સામે તપાસના આદેશ આપ્યા હતા.
મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરે કહ્યું હતું કે પોલીસે ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ અપરાધિક કેસોની વિગતો રજૂ કરવી જોઈએ. બીજા દિવસે 1 ઓક્ટોબરના રોજ લગભગ 150 પોલીસકર્મીઓ આશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા. સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો.
CJI એ કામરાજની બે દીકરીઓ સાથે વાત કરી
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપીશું. આ મામલે ટિપ્પણી કરતા ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે તમે આવી સંસ્થામાં પોલીસકર્મીઓની ફોજ ન મોકલી શકો. જો કે, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ ચેમ્બરમાં હાજર બંને મહિલાઓ સાથે ઓનલાઈન વાત કરશે અને પછી આદેશ વાંચશે.
CJIએ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજની બંને પુત્રીઓ સાથે વાત કર્યા બાદ આ આદેશ આપ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન કામરાજની દીકરીઓએ CJIને કહ્યું કે તેઓ આશ્રમમાં પોતાની મરજીથી રહે છે અને પોતાની મરજીથી આશ્રમની બહાર આવી શકે છે.