પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર મોટો વિસ્ફોટ, ત્રણના મોત, અનેક ઘાયલ
પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર રવિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અને પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. દરમિયાન પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને સ્થાનિક ટીવી ચેનલ જિયોને જણાવ્યું કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલો ચીની નાગરિકો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી એક ઘાયલ થયો હતો. પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો છે, જેમાંથી મોટા ભાગના બેઇજિંગના અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં કામ કરી રહ્યા છે, જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની બેઇજિંગ સાથે જોડે છે.
વિસ્ફોટ પછી બહાર પાડવામાં આવેલ વિડિયોમાં, કારમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે અને એરપોર્ટની બહારથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈસ્ટ અઝફર મહેસરે મીડિયાને જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે તે ઓઈલ ટેન્કર વિસ્ફોટ હતો. તેમણે કહ્યું, “અમે વિસ્ફોટની પ્રકૃતિ અને કારણ શોધી રહ્યા છીએ. તેમાં સમય લાગે છે.” તેમણે કહ્યું કે ઘાયલોમાં પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગૃહમંત્રી અને મહાનિરીક્ષકે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, પરંતુ પ્રેસ સાથે વાત કરી ન હતી. નાગરિક ઉડ્ડયન વિભાગમાં કામ કરતા રાહત હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો મોટો હતો કે એરપોર્ટની ઇમારતો ધ્રૂજી ઉઠી હતી.
Tags explosion Karachi Pakistan's