બેંગલુરુ: મુસાફરોથી ભરપુર બસ રસ્તા વચ્ચે ભડભડ સળગી ઉઠી, 30 મુસાફરોનો આબાદ બચાવ
કર્ણાટકની રાજધાની બેંગલુરુના એમજી રોડ પર મંગળવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની બસમાં આગ લાગી હતી. બસમાં 30 લોકો સવાર હતા. જોકે સમયસર તમામને બસમાંથી સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ કોરમંગલા ડેપો સાથે જોડાયેલ હતી. બસ જ્યારે એમજી રોડ પર અનિલ કુંબલે સર્કલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ હતી. ડ્રાઇવરે તરત જ બસને રોકી હતી અને તેમાં સવાર 30 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.
અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માત
આ સિવાય યુપીના અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અડધી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. દિલ્હીથી સિવાન જઈ રહેલી બસ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે રાત્રે 2:00 કલાકે બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો એક ભાગ ઉડી ગયો. શુક્લા બજાર પોલીસ સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ ત્રણ મુસાફરોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.