મુંબઈમાં ભારે વરસાદના કારણે 4 માળની ઈમારતની બાલ્કની ધરાશાયી, એક મહિલાનું મોત, 3 ઘાયલ
દક્ષિણ મુંબઈમાં શનિવારે ગ્રાન્ડ રોડ રેલ્વે સ્ટેશનની નજીક આવેલી ચાર માળની રહેણાંક ઇમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.
ત્રણ ઘાયલો સારવાર હેઠળ
અધિકારીએ કહ્યું, બાલ્કનીનો એક ભાગ તૂટી પડતાં ચાર લોકો ઘાયલ થયા હતા. તેઓને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)ની જૂની ઈમારત છે, જેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જોખમી જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બિલ્ડિંગને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર ઘટના બાદ બિલ્ડિંગમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મુંબઈમાં ભારે વરસાદ
તમને જણાવી દઈએ કે શનિવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મહાનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પરંતુ લોકલ ટ્રેન સેવાઓ સામાન્ય રીતે ચલાવવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મુંબઈમાં શનિવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 91 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે તેના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 87 મીમી અને 93 મીમી વરસાદ નોંધાયો હતો.