MP-રાજસ્થાન સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે થશે જાહેરાત, ECએ બોલાવી પ્રેસ કોન્ફરન્સ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે. ચૂંટણી પંચે આજે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને આવતા વર્ષે યોજાનારી 2024ની લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં છે. તેલંગાણામાં BRS અને મિઝોરમમાં MNF જેવી પ્રાદેશિક પાર્ટીની સરકાર છે.
માનવામાં આવે છે કે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી શકે છે. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં એક જ તબક્કામાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયા નવેમ્બરના મધ્યથી શરૂ થઈ શકે છે, જે ડિસેમ્બરના મધ્ય સુધી ચાલુ રહી શકે છે. એવી શક્યતા છે કે ચૂંટણી પંચ 10 થી 15 ડિસેમ્બર વચ્ચે મતદાનની તારીખ નક્કી કરે.
2018માં ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્ષ 2018માં છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરે 18 વિધાનસભા બેઠકો માટે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે 72 વિધાનસભા બેઠકો માટે યોજાયું હતું. એ જ રીતે, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. પાંચેય રાજ્યોમાં ચૂંટણી મતોની ગણતરી 11 ડિસેમ્બર 2018ના રોજ એક સાથે થઈ હતી.
કયા રાજ્યમાં કોની સરકાર?
મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 128, કોંગ્રેસ પાસે 98, બસપાના એક અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે. અહીં ભાજપની સરકાર છે.
રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે, જેમાં કોંગ્રેસ પાસે 108, BJP 70, RLD 1, RLSP 3, BTP 2, ડાબેરીઓ 2 અને 13 અપક્ષ ધારાસભ્યો છે. અહીં કોંગ્રેસની સરકાર છે.
છત્તીસગઢમાં 90 વિધાનસભા સીટો છે, જેમાંથી કોંગ્રેસ પાસે 71, બીજેપીના 15, બીએસપીના બે અને જેજેએસના એક ધારાસભ્ય છે. અહીં કોંગ્રેસના ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે.
મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો છે, જેમાંથી MNF પાસે 27, JPM 6, કોંગ્રેસ 5, BJP 1 અને TMC પાસે એક MLA છે. અહીં MNFની સરકાર છે અને પાર્ટીના અધ્યક્ષ જોરામથાંગા સીએમ છે.
તેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠકો છે, જેમાંથી BRS પાસે 99, કોંગ્રેસના 7, AIMIM 7, BJP 3 અને અપક્ષ 2 ધારાસભ્યો છે. અહીં બીઆરએસની સરકાર છે અને કે ચંદ્રશેખર રાવ સીએમ છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાના કાર્યકાળની સમાપ્તિની તારીખ શું છે?
મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
મધ્યપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે.
છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે.
રાજસ્થાનનો કાર્યકાળ 14 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે અને તે પહેલા નવી સરકારની રચના થવી જોઈએ.
તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.