આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી થી અને સીએમ આતિશી કાલકાજીથી ચૂંટણી લડશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ દરમિયાન સીએમ આતિશી સિંહ કાલકાજી સીટ પરથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ચોથી યાદીમાં કુલ 38 નામ છે. દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો છે અને આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 38 ઉમેદવારોની ચોથી યાદીમાં માત્ર બે નવા નામ છે. કસ્તુરબા નગર વિધાનસભા બેઠક પરથી રમેશ પહેલવાન અને ઉત્તમ નગર વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય નરેશ બાલિયાનની પત્ની પૂજા બાલિયાનને ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદિયાની સીટ બદલી છે. અત્યાર સુધી તેઓ પટપરગંજ વિધાનસભાથી ચૂંટણી લડતા હતા અને જીતતા પણ હતા, પરંતુ આ વખતે તેઓ જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. પટપરગંજ સીટ પરથી સિસોદિયાની જગ્યાએ યુટ્યુબર અને શિક્ષક અવધ ઓઝાને ટિકિટ આપવામાં આવી છે. અવધ ઓઝા તાજેતરમાં આમ આદમી પાર્ટીનો ભાગ બન્યા છે.