બિહારમાં મહાગઠબંધનને વધુ એક ઝટકો: કોંગ્રેસ પ્રવક્તા કુંતલ કૃષ્ણાએ આપ્યુ રાજીનામુ
બિહારમાં નીતીશ સરકરાના નેતૃત્વ વાળી મહાગઠબંધન સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. પૂર્વ સીએમ જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન માંઝીના મંત્રી પદ પરથી રાજીનામા પર હજુ રાજકારણ અટક્યું નથી કે, હવે કોંગ્રેસ પ્રવક્તા કુંતલ કૃષ્ણાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
કુંતલ કૃષ્ણાએ સીએમ નીતીશ કુમારના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા કુંતલ કૃષ્ણાએ શનિવારે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનું એલાન કર્યું છે. કોંગ્રેસે 2014માં સિવાનના મહારાજગંજ પેટાચૂંટણીમાં કુંતલ કૃષ્ણને ટિકિટ આપી હતી. જોકે, તેઓ હારી ગયા હતા.
પાર્ટીને અલવિદા કહેતા કુંતલ કૃષ્ણાએ નીતીશ કુમારના નેતૃત્વનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમારે કાયમ કોંગ્રેસનો વિરોધ કર્યો છે. જ્યારે કોંગ્રેસે નીતીશ કુમાર સામે આત્મસમર્પણ કરી દીધુ છે.
પટનામાં 23 જૂનના રોજ વિપક્ષી દળોની મહાબેઠક પહેલા પ્રદેશ પ્રવક્તા કુંતલ કૃષ્ણાના રાજીનામાથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. એક તરફ નીતીશ કુમાર વિપક્ષની તમામ પાર્ટીઓને ભાજપ વિરુદ્ધ એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ તેમની પોતાની જ પાર્ટીમાં તિરાડ પડી રહી છે.