મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે, ત્યાર બાદ તેને ઉતાવળથી દિલ્હી તરફ વાળવામાં આવી છે. ફ્લાઈટનું ટૂંક સમયમાં જ આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે.
ટ્વીટ કરી ધમકી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ જે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી તેને સુરક્ષાના કારણોસર દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાન હાલમાં IGI એરપોર્ટ પર છે. આ ફ્લાઇટમાં કુલ 239 મુસાફરો સવાર હતા, તમામ મુસાફરો અને ફ્લાઇટ ક્રૂને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને પ્લેનની શોધ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધમકી ટ્વીટ દ્વારા આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ હાજર છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ વિવાનને દિલ્હી એરપોર્ટના આઈસોલેશન રનવે પર પાર્ક કરવામાં આવી છે. ફ્લાઇટની શોધ કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ પણ આ અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.