રશિયાને અબજો ડૉલરની ચૂકવણી તો અમેરિકા જ કરે છે, પછી યુદ્ધમાં સામે ઊભા થવાનો દેખાડો કેમ?
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. બંને દેશો હાર માનવા તૈયાર નથી. એવામાં અનેક દેશ યુક્રેનની પડખે છે જેમાં અમેરિકાનું નામ પણ સામેલ છે. રશિયા પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અમેરિકાએ જીવાશ્મ ઈંધણ ખરીદવાનું બંધ કરી દીધું હતું. જોકે આ દરમિયાન એક ચોંકાવનારા મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું કે અમેરિકા રશિયાની પરમાણુ એજન્સી પાસેથી દર વર્ષે આશરે 1 અબજ ડૉલરનું ઈંધણ ખરીદે છે.
સ્થિતિ જણાવે છે કે અમેરિકાની પરમાણુ ઊર્જા પર નિર્ભરતા પહેલાં કરતાં વધી જવાની છે. તેનું કારણ એ છે કે અમેરિકામાં કોઈપણ કંપની યુરેનિયમનું ઉત્પાદન નથી કરતી. એટલા માટે અમેરિકાએ મજબૂરીમાં રશિયા સાથે ડીલ કરવી પડી રહી છે. ખરેખર અમેરિકાએ યુરેનિયમનું સંવર્ધન અને ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી રાખ્યું છે. તેણે ક્યારેય આ તરફ ધ્યાન નહોતું આપ્યું. પણ હવે તેના કારણે તેણે રશિયા સાથે ડીલ કરવી પડી રહી છે.
જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તો અમેરિકા અને યુરોપે અનેક પ્રતિબંધો મૂક્યા. અમેરિકાએ નિર્ણય કર્યો કે રશિયાથી જીવાશ્મ ઈંધણ ખરીદવાનું બંધ કરશે અને તે હજુ આ નિર્ણય પર કાયમ છે. જોકે જ્યારે વાત યુરેનિયમની આવી તો અમેરિકાએ રશિયા સાથે ડીલ કરવી પડી. માહિતી અનુસાર જો તે આ ડીલ નહીં કરે તો અમેરિકા ખુદ મુશ્કેલીમાં મૂકાઈ જશે.
નિષ્ણાતોના મતે અમેરિકા અને યુરોપને યુરેનિયમ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. ખાસ વાત એ છે કે માત્ર અમેરિકા અને યુરોપિયન દેશો જ નહીં પરંતુ વિશ્વના લગભગ એક ડઝન દેશો તેમની અડધાથી વધુ ઊર્જા કંપનીઓના સંચાલનમાં યુરેનિયમ માટે રશિયા પર નિર્ભર છે. રશિયન ન્યુક્લિયર એજન્સી યુક્રેનમાં ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કમાન પણ સંભાળે છે.
રોસેટોમની સહાયક કંપનીઓને યુરેનિયમથી ચૂકવણી કરવામાં આવે છે. અમેરિકામાં વપરાતા લગભગ ત્રીજા ભાગનો યુરેનિયમ હવે વિશ્વના સૌથી સસ્તા ઉત્પાદક રશિયા પાસેથી આયાત કરવામાં આવે છે. બાકીનો મોટાભાગનો હિસ્સો યુરોપમાંથી આયાત કરવામાં આવે છે. એક નાનો હિસ્સો યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત બ્રિટિશ-ડચ-જર્મન કન્સોર્ટિયમ દ્વારા બનાવવામાં આવે છે. ઓહાયો પ્લાન્ટનું સંચાલન કરતી કંપનીનું કહેવું છે કે રોસાટોમ સાથે સ્પર્ધા કરવામાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે.